નવી દિલ્હીઃ વર્ષ 2020માં સાત ભારતીય અબજપતિઓએ તેમની સંપત્તિમાં વર્ષ 2020માં અત્યાર સુધીમાં 64 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. કોવિડ-19થી વ્યાપેલી મંદીની ગર્તામાંથી ભારતીય અર્થતંત્ર પણ બહાર આવી રહ્યું છે અને શેરો પણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આ સાત અબજોપતિઓની અત્યાર સુધીમાં આવેલા 50 ટકાના ઉછાળા પછી તેમની સંયુક્ત સંપત્તિ 11 ડિસેમ્બરે આશરે 200 અબજ ડોલર (194 અબજ ડોલર)ની હતી. એક બિલિયન ડોલરની કિંમત રૂ. 7364 કરોડ (શુક્રવાર સુધીમાં) થાય છે.
ફર્સ્ટ જનરેશનના ઉદ્યોગ સાહસિક ગૌતમ અદાણી- કે જેઓ રિન્યુએબલ એનર્જી, પોર્ટ્સ, ટર્મિનલ્સ અને લોજિસ્ટિક અન્ય ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે, તેમણે તેમની સંપત્તિમાં વર્ષ 2020માં અત્યાર સુધીમાં 21.1 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. તેમની સંપત્તિ ગયા વર્ષની 11.3 અબજ ડોલરથી વધીને 32.4 અબજ ડોલર થઈ ગઈ છે.
દેશમાં સૌથી શ્રીમંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રાઝના ચેરમેન મુકેશ અંબાણી છે. તેમણે આ વર્ષે તેમની સંપત્તિમાં 18.1 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. છેલ્લી ગણતરી મુજબ તેમની સંપત્તિ 76.6 અબજ ડોલર હતી. ગયા વર્ષે તેમની સંપત્તિ 58.6 અબજ ડોલર હતી.