NDAના નિરાશાજનક દેખાવે સેન્સેક્સ, નિફ્ટી પાંચ ટકા તૂટ્યા

અમદાવાદઃ ભારતીય શેરબજારો આશરે પાંચ ટકા ઘટીને બંધ થયા હતા. લોકસભા ચૂંટણીમાં મતદાતાઓએ ચોંકાવનારો નિર્ણય લીધો છે. વાસ્તવિક પરિણામો એક્ઝિટ પોલથી બિલકુલ અલગ આવ્યાં છે. ભાજપ મોટો પક્ષ બનીને ઊભર્યો છે, પણ બહુમતથી દૂર છે. અપેક્ષા મુજબ પરિણામો ના આવવાને કારણે બજાર નિરાશ થયું છે.

મતગણતરીના આંકડાની સાથે બજારમાં ઉતારચઢાવ આવ્યા હતા અને એક વખતે બજાર નીચલા સ્તરે એટલે કે બપોરે 12.30 વાગ્યે સેન્સેક્સ આશરે 6093 પોઇન્ટ તૂટીને 70,412ના સ્તરે પહોંચ્યો હતો. જોકે વેચાણો કપાતાં બજાર બંધ થતા સમયે રિકવરી પણ જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 4389.73 પોઇન્ટ તૂટીને 72,079.05એ બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી50 ઇન્ડેક્સ 1379.40 પોઇન્ટ તૂટીને 21,884.50ના સ્તરે બંધ થયો હતો.

રોકાણકારોના 30 લાખ કરોડ ડૂબ્યા

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ચોથી જૂને ઘટીને રૂ. 396.77 લાખ કરોડે આવી ગયું હતું, જે પાછલા રૂ. 425.91 કરોડ હતું. આમ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે રૂ. 29.14 લાખ કરોડ ઘટ્યું હતું.

લોકસભા ચૂંટણીનાં પરિણામોની સાથે નિફ્ટીમાં 34 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો હતો, જ્યારે એક તબક્કે BSE લિસ્ટેડ કંપનીઓનું આશરે માર્કેટ કેપ રૂ. 41 લાખ કરોડ ઘટી ચૂક્યું હતું. આ પહેલાં મે, 2004માં મોટો ઘટાડો આવ્યો હતો, ત્યારે એ 18.33 ટકા તૂટ્યો હતો, જ્યારે ઓક્ટોબર, 2008માં નિફ્ટી 14.20 ટકા તૂટ્યો હતો. ત્યાર બાદ 2020માં 13.30 તૂટ્યો હતો.