BSE 365 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના રૂ. 2.12 લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારોમાં નરમ વલણ અને ફેડ રિઝર્વની મીટિંગને પગલે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શુક્રવારે સેન્સેક્સ સતત બીજા સેશનમાં ઘટીને બંધ થયો હતો. જેથી રોકાણાકારોના આશરે 2.12 લાખ કરોડ સ્વાહા થયા હતા. બજારમાં ટ્રેડિંગ સેશનમાં FMCG, PSU બેન્ક, મેટલ, યુટિલિટી, કેપિટલ ગુડ્ઝ, મેટલ, પાવર અને રિયલ્ટી શેરોમાં વધુ વેચવાલી ફરી વળી હતી. એકમાત્ર ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી પણ 19,300ની નીચે બંધ આવ્યો છે.

શેરબજાર સતત પાંચમા સપ્તાહે ઘટીને બંધ રહ્યું હતું. BSE સેન્સેક્સ 365 પોઇન્ટ તૂટીને 64,886ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 121 પોઇન્ટ તૂટીને 19,265ની સપાટીએ બંધ રહ્યો હતો.

વોડાફોન આઇડિયાને DOTએ ટર્મશીટ નોટિફાય કરતાં અને ફંડ રેઝિંગની ચર્ચાની વચ્ચે બજારમાં તેજી જોવા મળી હતી. વોડાફોન આઇડિયાનો શેર 10 ટકા તેજી થઈ હતી. બજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 306.55 લાખ કરોડે આવી ગયું હતું, જે ગઈ કાલે રૂ. 308.67 લાખ કરોડે હતું. આમ BSEમાં લિસ્ટેડ કંપનીના માર્કેટ કેપમાં આશરે રૂ. 2.12 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

BSE પર આજે કુલ 3763 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, જેમાં 1489 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2153 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે 121 શેરો સપાટ મથાળે બંધ થયા હતા. આ સિવાય 197 શેરોએ 52 સપ્તાહની મહત્તમ સપાટીને સર કરી હતી, જ્યારે 20 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટી સર કરી હતી.