GU માનહાનિ કેસઃ SCએ કેજરીવાલની અરજી ફગાવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની ડિગ્રી વિવાદથી જોડાયેલા ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં કહ્યું હુતં કે તમારી રિવિઝન અરજી હાઇકોર્ટમાં લંબિત છે. આવામાં અહીં સુનાવણીની કોઈ જરૂર નથી. આ મામલે કેજરીવાલને નીચલી કોર્ટે સમન્સ જારી કર્યા છે. વાસ્તવમાં યુનિવર્સિટીએ વિરોધી નિવેદનને લઈને કેજરીવાલની વિરુદ્ધ માનહાનિ કેસ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવી એન ભટ્ટીની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. તે દરમિયાન અરવિંદ કેજરીવાલના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ સમન્સ જે ઇશ્યુ કરવામાં આવ્યા છે એ ગેરબંધારણીય રીતે ઇશ્યુ કરવામાં આવ્યા છે. જોકે સોલિટર જનરલ તરફથી રજૂઆત કરવામાં આવી કે જે પ્રમાણે કોર્ટની પ્રક્રિયા ચાલતી હોય છે, એ જ પ્રમાણે અને તે જ પદ્ધતિ પ્રમાણે આ સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે ગુજરાત હાઇ કોર્ટ દ્વારા પણ સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે.

કોર્ટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો પક્ષ રાખી રહેલા અભિષેક મનુ સિંધવીએ દલીલ કરતાં કહ્યું હતું કે સમન્સ ખોટી રીતે જારી કરવામાં આવ્યા છે. બીજી બાજુ, યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતાએ કહ્યું હતું કે કેજરીવાલની ટિપ્પણી યોગ્ય નથી.

આ સાથે જ હવે 29 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા માટે કેજરીવાલને કહેવામાં આવ્યું છે. 29 ઓગસ્ટે હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી નિયત કરવામાં આવી છે.

કેસ શો છે?

કેજરીવાલે વડા પ્રધાનની ડિગ્રી સંબંધિત કેસમાં ગુજરાત યુનિવર્સિટીને લઈને કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ યુનિવર્સિટીએ કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. એ અરજીપર મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યા હતા.