સેન્સેક્સ સૌપ્રથમ-વાર 59,000ને પાર, નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ

અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને આઇસીઆઇસીઆઇ બેન્કની આગેવાનીમાં BSE સેન્સેક્સ 418 પોઇન્ટ ઊછળીને સૌપ્રથમ વાર 59,000ની મહત્ત્વની સપાટી બંધ આવ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના મૂડીપ્રવાહ અને યુરોપિયન બજારોમાં તેજીને લીધે શેરબજારમાં તેજી આવી હતી.

BSE સેન્સેક્સ 417.96 પોઇન્ટ ઊછળીને 59,141.16એ બંધ આવ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 110.05 પોઇન્ટ ઊછળીને 17,644.60નો રેકોર્ડ હાઇ બનાવીને 17,629.50 બંધ આવ્યો હતો.  વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી. એક તરફ સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ રેકોર્ડ ક્લોઝિંગ બંધ આવ્યા છે, ત્યારે બેન્ક નિફ્ટીએ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી હતી. મિડકેપ ઇન્ડેક્સે પણ 30,345.5નો નવો રેકોર્ડ બનાવ્યો છે. બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ 37,720નો નવો રેકોર્ડ બનાવ્યો છે. સરકારે હજી એક દિવસ પહેલાં ટેલિકોમ ક્ષેત્રે ઓટોમેટિક રૂટ દ્વારા 100 ટકા FDIની ઘોષણા કરવામાં આવી છે, જે અત્યાર સુધી 49 ટકા FDIની મંજૂરી હતી. આ ઉપરાંત સરકારે ટેક્સટાઇલ ક્ષેત્ર પછી ઓટો, ઓટો કોમ્પોનન્ટ માટે રૂ. 26,058 કરોડની PLI યોજનાની જાહેરાત કરી છે. વળી સરકાર ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપીને રોજગારીનું સર્જન કરવા ઇચ્છે છે. આ બધાં પરિબળોને લીધે શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી.  

બજારમાં ટ્રેડિંગ સેશનમાં FMCG, હોટેલ, સિગારેટ, એગ્રી અને આઇટીસીમાં આશરે આઠ ટકાનો વધારો થયો હતો. આ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી ઇન્ડેક્સ 25 ટકા ઊછળ્યો છે, જ્યારે FMCG ઇન્ડેક્સમાં 19 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.