વર્લ્ડકપ પછી કોહલી T20 ટીમનું કેપ્ટનપદ છોડશે

લંડનઃ વિરાટ કોહલીએ ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી છે કે દુબઈમાં આગામી T20 વર્લ્ડ કપ સ્પર્ધા પૂરી થઈ ગયા બાદ પોતે દેશની T20 ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપશે. ઉલ્લેખનીય છે કે કોહલીએ 45 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારતનું નેતૃત્ત્વ સંભાળ્યું છે. એ ભારતનો સૌથી સફળ ક્રિકેટ કેપ્ટનમાંનો એક ગણાય છે.

કોહલીએ એક નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા 8-9 વર્ષથી એ ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં રમતો રહ્યો છે અને એને કારણે એને મન પર ખૂબ બોજાનો અનુભવ થાય છે. એણે વધુમાં લખ્યું છે કે, હું નસીબદાર છું કે મને ભારત વતી રમવા મળ્યું એટલું જ નહીં, પરંતુ મારી ક્ષમતાના આધારે મને ભારતની ક્રિકેટ ટીમનું નેતૃત્ત્વ પણ કરવા મળ્યું. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેની મારી સફરમાં મને સહકાર આપનાર દરેક જણનો હું આભાર માનું છું. સાથી ખેલાડીઓ, અને સપોર્ટ સ્ટાફ, પસંદગી સમિતિ, મારા કોચ તથા અમારી જીત માટે પ્રાર્થના કરનાર પ્રત્યેક ભારતીયના સહકાર વિના હું આ સફળતા હાંસલ કરી શક્યો ન હોત. મેં આ નિર્ણય લેતા પૂર્વે હેડ કોચ રવિ શાસ્ત્રી અને સાથી સિનિયર ખેલાડી રોહિત શર્મા સાથે મસલત કરી હતી. મેં ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ અને ક્રિકેટ બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી તેમજ તમામ પસંદગીકારો સાથે પણ આ વિશે વાત કરી હતી. હું ભારતીય ક્રિકેટ તથા ભારતીય ટીમની સેવા બજાવવાનું ચાલુ જ રાખીશ અને મારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે રમતો રહીશ.

દરમિયાન, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) કહ્યું છે કે અમે કોહલીના નિર્ણયનો આદર કરીએ છીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]