આસામમાં શેરમાર્કેટને નામે રૂ. 2200 કરોડનું કૌભાંડ

ગૌહાટીઃ આસામમાં શેરબજારને નામે રૂ. 2200 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. ડિબ્રુગઢમાં રહેતા 22 વર્ષના વિશાલ ફૂકન પર આ કૌભાંડનું ષડયંત્ર રચવાનો આરોપ છે. ફુકન આસામ અને અરુણાચલ પ્રદેશના રોકાણકારોને પૈસા લગાવવા માટે નિતનવી યોજનાઓ રજૂ કરતો હતો. તેણે રોકાણકારોને 60 દિવસોમાં 30 ટકા વળતર આપવાનું વચન આપ્યું હતું.આ ઘટના સામે આવ્યા પછી રાજ્યના CM હિમંત બિસ્વ સરમાએ લોકોને ઓનલાઇન ટ્રેડિંગથી બચવાની અપીલ કરી છે.

આ કેસમાં પોલીસે હાલ બે લોકોની ધરપકડ કરી છે. ફુકન પર ખોટી રીતે કમાણી કરવામાં આવેલા પૈસાથી ચાર કંપનીઓ સ્થાપવાનો આરોપ છે. એ કંપની મુખ્ય રીતે ફાર્માસ્યુટિકલ્સ, ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રમાં ફેલાયેલી છે. તે આસામિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ મૂડીરોકાણ કરીને અનેક સંપત્તિઓને હાંસલ કરી ચૂક્યો છે.

પોલીસને છેલ્લા કેટલાક દિવસોથી સેબી અને RBIના નિર્દેશોનું પાલન કર્યા વિના વેપાર કરવાની માહિતી મળી રહી હતી.પોલીસના જણાવ્યા મુજબ રાજ્યમાં કેટલીય ઓનલાઇન કંપનીઓ ખોટી રીતે ટ્રેડિંગ કરી રહી હતી, જે પછી પોલીસે તપાસ શરૂ કરી અને રૂ. 2200 કરોડના ઓનલાઇન ટ્રેડિંગનો પર્દાફાશ થયો હતો.
આ મામલે પોલીસે ડિબ્રુગઢના યુવક વિશાલ ફુકન અને ગૌહાટીના સ્વપ્નિલ દાસની ધરપકડ કરી છે. ડીબી સ્ટોક બ્રોકિંગ કંપનીના માલિક દીપાંકર બર્મનના લાપતા થયા બાદ તપાસ તેજ થઈ છે. ત્યાર બાદ ફુકન પર સંદેહ વધી ગયો હતો. વિશાલે ફેસબુક પર લોકોને વિશ્વાસ આપ્યો હતો કે તે રોકાણકારોના તમામ પૈસા પરત કરતાં દાવો કર્યો હતો કે રોકાણકારોના બધા પૈસા સુરક્ષિત છે, એમ પોલીસે કહ્યું હતું.