નવી દિલ્હીઃ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ કેટલાક દિવસો પહેલાં જ સોલર મોડ્યુલ ફેક્ટરી લગાવવાની વાત કરી હતી. કંપની માર્ચ, 2024 સુધીમાં પાંચ ગિગાવોટની સોલર મોડ્યુલ ફેક્ટરીના પહેલો તબક્કો શરૂ કરે એવી શક્યતા છે. માર્ચ, 2026 સુધીમાં ઉત્પાદન ક્ષમતા 20 ગિગાવોટ સુધી પહોંચાડાશે, એમ આ મામલાથી જોડાયેલી વ્યક્તિઓએ કહ્યું હતું.
કંપની જામનગરમાં સોલર ફોટોવોલ્ટિક ગિગા ફેક્ટરીનો પ્રારંભ કરશે. એની કુલ ક્ષમતા 20 ગિગાવોટ હશે. ચાર તબક્કામાં પૂરા કરાનારા આ પ્લાન્ટની ક્ષમતા પાંચ ગિગાવોટ દરેક પ્લાન્ટની છે. ત્યાર બાદ એને 10 ગિગાવોટની ક્ષમતા સુધી પહોંચાડવામાં આવશે અને ત્યાર બાદ વર્ષ 2026 સુધી વધારીને 20 ગિગાવોટ સુધી પહોંચાડાશે.
કંપની હાલમાં થોડા દિવસો પહેલાં નોર્વેની RECને રૂ. 5800 કરોડમાં ખરીદવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતના જામનગરમાં કંપની REC ટેક્નોલોજી પર સોલર ફોટોવોલ્ટિક અને મોડ્યુલ ફેક્ટરી બનાવી રહી છે, જેમાં માર્ચ સુધીમાં કામકાજ શરૂ થવાની અપેક્ષા છે.
REC હાઇ એફિશિયન્સી સોલર પેનલ વેચવાવાળા વિશ્વની એક દિગ્ગજ કંપની છે, જે હેટેરોજંક્શન ટેક્નોલોજીથી સોલર પેનલ બનાવે છે. કંપનીનું લક્ષ્ય HJT મોડ્યુલની એફિશિયન્સને વર્ષ 2026 સુધી વધારીને 26 ટકા પહોંચાડવાનું છે. હાલના સમયે એની કાર્યક્ષમતા 23 ટકા છે. ત્યાર બાદ એને વધારીને 28 ટકાએ પહોંચાડવામાં આવશે. કંપનીની યોજના સોલર ફોટોવોલ્ટિક મોડ્યુલની લાઇફ 25થી વધારીને 50 વર્ષ સુધી કરવામાં આવશે.