સરકાર દ્વારા સુગરની નિકાસ પર પ્રતિબંધ મુકાવાની શક્યતા

નવી દિલ્હીઃ શું તહેવારોમાં ચા, મીઠાઈઓ કડવી બનશે? ટામેટાં, ડુંગળી પછી શું હવે સુગર મોંઘી થવાની છે? સરકાર ઓક્ટોબરથી શરૂ થતી આગામી સીઝનમાં મિલો પર સુગરની નિકાસનો પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે, કેમ કે દેશમાં પડેલા અનિયમિત વરસાદને કારણે અને ઓછા વરસાદને કારણે શેરડીની ઊપજમાં ઘટાડો થયો છે. જો સરકાર નિકાસ પર પ્રતિબંધ મૂકે તો સુગરની કિંમતોને વધતી અટકાવી શકાય. જોકે નિકાસ પર પ્રતિબંધથી ન્યુ યોર્ક અને લંડનમાં બેન્ચમાર્કેની કિંમતો વધે એવી શક્યતા છે. જે પહેલેથી જ મહત્તમ સ્તરે ટ્રેડ કરી રહી છે. જેથી વૈશ્વિક ફૂડ માર્કેટમાં મોંઘવારી વધવાની આશંકા છે.

સરકાર સાત વર્ષમાં સૌપ્રથમ વાર સુગરની નિકાસ પર પ્રતિબંધ મૂકવા ધારે છે, જેથી બજારમાં પર્યાપ્ત પુરવઠો અને કિંમતો સ્થિર રાખવાની સરકારની યોજના છે.

આગામી સીઝન માટે નિકાસ ક્વોટાની ફાળવણી માટે પર્યાપ્ત સુગર નહીં હોય, આવામાં નિકાસ પર પ્રતિબંધ કરવાની સરકારની યોજના છે. જો આવું થશે તો સાત વર્ષમાં આ પહેલી વાર થશે. સરકારે મિલોને ચાલુ સીઝનમાં 30 સપ્ટેમ્બર સુધી માત્ર 6.1 મિલિયન ટન સુગર નિકાસ કરવાની મંજૂરી આપી છે, જ્યારે પાછલી સીઝનમાં આ મિલોને 11.1 મિલિયન ટન સુગર નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલાં ભારતે સુગરના વિદેશમાં વેચાણ પર નિયંત્રણો લગાવવા માટે નિકાસ પર 20 ટકા ટેક્સ લગાવ્યો હતો.

અહેવાલ અનુસાર દેશનું કુલ સુગર ઉત્પાદન અડધાથી વધુ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકનાં જિલ્લોમાં થાય છે. હવામાન વિભાગ અનુસાર બંને રાજ્યોમાં શેરડી ઉત્પાદક જિલ્લાઓમાં વરસાદ અત્યાર સુધી સરેરાશથી 50 ટકા ઓછો રહ્યો છે. ઓછા વરસાદને કારણે વર્ષ 2023.24ની સીઝનમાં સુગર ઉત્પાદનમાં કાપ થશે અને વર્ષ 2024-25ની સીઝનમાં પણ વાવણી ઘટવાનો અંદાજ છે. જેથી વર્ષ 2023-24 સીઝનમાં દેશમાં સુગરનું ઉત્પાદન 3.3 ટકા ઘટીને 31.7 મિલિયન ટન થવાની શક્યતા છે.