મુંબઈઃ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ દેશમાં ખાનગી સ્તરે સૌથી મોટી કોરોનાવાઈરસ રસીકરણ ઝુંબેશ શરૂ કરી છે. એક નિવેદનમાં કંપનીએ કહ્યું છે કે, દેશના 880 શહેરોમાં શરૂ કરાયેલી આ જંગી રસીકરણ ઝુંબેશમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપરાંત એમના પરિવારજનો, કંપનીની સહયોગી કંપનીઓના કર્મચારીઓ, ભાગીદાર કંપનીઓનના કર્મચારીઓ (દાખલા તરીકે બ્રિટિશ પેટ્રોલિયમ, ગૂગલ વગેરે), તેમજ કંપનીના નિવૃત્ત કર્મચારીઓ અને એમના પરિવારજનોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ તમામને મફતમાં કોરોના-પ્રતિરોધક રસી આપવામાં આવશે.
કંપનીનું કહેવું છે કે તેણે શરૂ કરેલી આ રસીકરણ ઝુંબેશથી જાહેર આરોગ્ય પદ્ધતિઓ પરનું દબાણ ઘટી જશે અને રોગચાળાનો વધારે અસરકારક રીતે સામનો કરવામાં આપણા દેશને મદદ મળશે. કંપનીના 3.30 લાખ જેટલા કર્મચારીઓ અને એમના પરિવારજનોએ કોરોના રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. કંપનીનું લક્ષ્ય 15 જૂન સુધીમાં તમામ કર્મચારીઓ અને એમના પરિવારજનો પહેલો ડોઝ લઈ લે એ જોવાનો છે.