RBIના બુસ્ટર ડોઝે શેરોમાં આગઝરતી તેજીઃ સેન્સેક્સ 75,000ને પાર

અમદાવાદઃ નિફ્ટી વીકલી એક્સપાયરીને દિવસે શેરબજારોમાં લાલચોળ તેજી થઈ હતી. RBI તરફથી રૂ. 2.1 લાખ કરોડના બુસ્ટર ડિવિડન્ડ પછી બજારમાં આગઝરતી તેજી જોવા મળી હતી. નિફ્ટી અને સેન્સેક્સ નવા શિખરે પહોંચ્યા હતા. સેન્સેક્સે 75,000 મહત્ત્વની સપાટી વટાવી હતી, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ પણ 23,000 વટાવવામાં હાથવેંત છેટો છે. જોકે નિફ્ટી ઇન્ડેક્સે ફ્યુચરમાં તો 23,000ની સપાટી વટાવી દીધી હતી.  મિડકેપ શેરો પણ લાવ-લાવ રહ્યું હતું.

સરકારે વચગાળાના બજેટમાં RBI અને જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી કુલ રૂ. 1.02 લાખ કરોડના ડિવિડન્ડની અપેક્ષા રાખી હતી, જ્યારે RBIએ અત્યાર સુધી સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવ્યું હતું. નિષ્ણાતોનું કહેવું હતું કે આ ડિવિડન્ડથી સરકારને રાજકોષીય ખાધને કાબૂમાં કરવામાં મદદ મળશે.

BSE સેન્સેક્સ 1196. પોઇન્ટ ઊછળી 75,418.04 અને NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 369.85 પોઇન્ટ ઊછળી 22,967.65ની સપાટીએ બંધ આવ્યો હતો.

આ સાથે રોકાણકારોની લોકસભા ચૂંટણીનાં પરિણામો માટેનો ગભરાટ પણ ઘટ્યો હતો, કેમ કે ચૂંટણી પરિણામો બજારની અપેક્ષા રહેવાની ધારણા રહેતાં શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. વળી, પાંચ તબક્કામાં મતદાન જોતાં હવે પરિણામો  2019ની ચૂંટણી અનુસાર રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવતી હતી. એનાથી ફરી એક વાર મોદી સરકાર સત્તામાં પરત ફરવાનો વિશ્વાસ લોકોમાં વધ્યો છે.

આ સાથે કંપનીઓનાં માર્ચ ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક રહેતાં શેરોમાં તેજી થઈ હતી. જેથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. છ લાખ કરોડનો વધારો થયો હતો. આ સાથે વિદેશી રોકાણકારો છેલ્લા ઘણા સેશનમાં વેચવાલ હતા, તેમણે હવે શેરોમાં વલણ બદલીને ખરીદી શરૂ કરી છે.

આ સાથે બજારનું ઓવરઓલ સેન્ટિમેન્ટ મજબૂત છે. વળી SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ પાસે સતત રોકાણપ્રવાહ આવી રહ્યો છે, જે પાછલા કેટલાક મહિનાઓમાં થયેલી FIIની વેચવાલીની ભરપાઈ કરી રહ્યો છે.