મુંબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાને કે કોઈ ક્રિકેટરને કોઈ ઈનામ આપવાની પોતે કોઈ જાહેરાત કરી હોવાના અહેવાલોને ઉદ્યોગપતિ રતન ટાટાએ રદિયો આપ્યો છે. એમણે X ટ્વિટર પર પોસ્ટ કરેલા સંદેશમાં ખુલાસો કર્યો છે કે, ‘કોઈ પણ ખેલાડીને દંડ ફટકારવા કે ઈનામ આપવા વિશે મેં આઈસીસી સંસ્થાને કે કોઈ ક્રિકેટરને કોઈ પ્રકારનું સૂચન કર્યું નથી. ક્રિકેટ સાથે મારે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. મારા સત્તાવાર પ્લેટફોર્મ્સ પરથી આવ્યા ન હોય તો મહેરબાની કરીને આ પ્રકારના વોટ્સએપ ફોરવર્ડ્સ કે વીડિયો પર વિશ્વાસ કરતા નહીં.’
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર એવા વોટ્સએપ ફોરવર્ડ્સ અને વીડિયો ફરી રહ્યા છે જેમાં એવો દાવો કરાયો છે કે હાલ ભારતમાં રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં અફઘાનિસ્તાને તેની રાઉન્ડ રોબિન લીગ મેચમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ રતન ટાટાએ રશીદ ખાનને રૂ. 10 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જોકે રતન ટાટાએ સ્વયં આ દાવાને રદિયો આપ્યો છે.