નિફ્ટી-50 ઈન્ડેક્સે પહેલી વાર વટાવી 20,000 પોઈન્ટ્સની સપાટી; NSEએ કરી ઉજવણી

મુંબઈ તા. 11 સપ્ટેમ્બર, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નિફ્ટી 50 ઈન્ડેક્સે આજે પ્રથમ વાર 20,000ની સપાટી વટાવી હતી. નિફ્ટી-50નો પ્રારંભ 1000ની સપાટીથી થયો હતો અને 27 વર્ષમાં 20,000 પોઈન્ટ સુધીની મજલ કાપી છે જે દેશના મૂડીબજારમાં સ્થાનિક તેમ જ વિદેશી રોકાણકારોએ મૂકેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જના સીઈઓ અને એમડી આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું.

નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી-50 ઈન્ડેક્સે 20,000 પોઈન્ટ્સની સપાટી વટાવી એની ઉજવણી એનએસઈમાં કરવામાં આવી હતી, જેમાં એનએસઈના એમડી આશિષકુમાર ચૌહાણ સહિત મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

ચૌહાણે ઉમેર્યું હતું કે છેલ્લાં 30 વર્ષમાં દેશની બજારોમાં લોકોની સામેલગીરી સારી એવી વધી છે. હજી ઘણી મજલ કાપવાની બાકી છે. આ સારી શરૂઆત છે. ભૂતકાળની જેમ આ યાત્રામાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવશે. દેશ આગળ વધતો રહેશે અને તેનું પ્રતિબિંબ નિફ્ટી 50 ઈન્ડેક્સમાં જોઈ શકાશે. આગામી સમયમાં એનએસઈ દેશમાં ઓછા ખર્ચે ન્યાયી, કાર્યક્ષમ, પારદર્શી, સુવ્યવસ્થિત અને ઉચ્ચ ઓટોમેટેડ માર્કેટ્સ પ્લેટફોર્મ્સ પૂરાં પાડતું રહેશે.

એનએસઈમાં 7.5 કરોડ યુનિક પાન નંબર્સ નોંધાયેલા છે, જે દર્શાવે છે કે એનએસઈમાં પાંચ કરોડ કુટુંબો તેમની બચતનું સીધું રોકાણ ઈક્વિટી બજારમાં એનએસઈ મારફત કરી રહ્યા છે.