મુંબઈઃ મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીએ સસ્તી કિંમતના સ્માર્ટફોન અને સસ્તા દરની ઈન્ટરનેટ સેવા લોન્ચ કરીને ભારતમાં સ્માર્ટફોનની માર્કેટમાં કેવી જોરદાર ક્રાંતિ લાવી દીધી છે. હવે એવો અહેવાલ છે કે આ અબજોપતિ ટૂંક સમયમાં જ દેશમાં રૂ. 15,000ની કિંમતમાં લેપટોપ લોન્ચ કરવાના છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો કંપની રૂ. 15,000ની કિંમતમાં લેપટોપ લોન્ચ કરીને ભારતની માર્કેટમાં લેપટોપની કિંમતને ધરખમ રીતે નીચે લાવી દેશે.
રિલાયન્સ જિયો આ માટે એચપી, એસર, લેનોવો તથા અન્ય લેપટોપ ઉત્પાદકો સાથે વાટાઘાટ કરી રહી છે. એવું કહેવાય છે કે જિયો તેના લેપટોપની કિંમત શક્ય એટલી ઓછી રાખશે. એટલું જ નહીં, આ લેપટોપ ક્લાઉડ વડે સંચાલિત હશે. લેપટોપનું પ્રોસેસિંગ અને સ્ટોરેજ જિયો ક્લાઉડ પર રહેશે. જિયો ક્લાઉડ એ રિલાયન્સ જિયોની ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ છે. અંબાણીનો ઉદ્દેશ્ય પહેલી વાર લેપટોપ ખરીદનારાઓ તેમજ શિક્ષણસંસ્થાઓ સુધી પહોંચવાનો છે.