ઇન્ફોસિસ કર્મચારીઓને આપશે 80 ટકા વેરિયેબલ પે બોનસ

બેંગલુરુઃ દેશની સૌથી મોટી IT કંપનીઓમાંની એક ઇન્ફોસિસે કર્મચારીઓને એક ઇમેઇલ મોકલ્યો છે, જેમાં કંપનીએ કર્મચારીઓને એક ખુશખબરી મોકલી છે. કંપનીએ એલિજિબલ કર્મચારીઓને જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક માટે પર્ફોર્મન્સ બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપની આ મહિને સરેરાશ 80 ટકા પેઆઉટ બોનસ આપશે.

કંપની પોઝિશન લેવલ છ મેનેજરો અને એની બેન્ડથી નીચેના કર્મચારીઓ-એટલે કે એન્ટ્રી લેવલના કર્મચારીઓ સિવાયના મેનેજર કેટેગરીથી નીચેના કર્મચારીઓને વેરિયેબલ પે આપશે. વેરિયેબલ પે કર્મચારીઓને તેમના પર્ફોર્મન્સને આધારે અપાતું બોનસ છે.

અહેવાલ મુજબ યુનિટ ડિલિવરી મેનેજર સંબંધિત યુનિટ્સ માટે પેઆઉટ નક્કી કરશે અને યોગ્ય કર્મચારીઓને આ સપ્તાહે એની માહિતી આપશે. બેંગલુરુ સ્થિત IT કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં પગારવધારો અટકાવી દીધો હતો. જોકે કંપનીએ કર્મચારીઓ માટે ઓક્ટોબરથી એન્યઅલ એપ્રાઇઝલ સાઇકલ શરૂ કરી છે.

કંપનીએ કર્મચારીઓ માટે પર્ફોર્મન્સ બોનસની જાહેરાત કરી છે, જ્યારે કંપની અને ટોચની IT કંપનીઓએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આવકમાં ધીમો વધારો કર્યો છે. વૈશ્વિક સ્તરે આર્થિક ટેન્શનને કારણે ટેક્નોલોજી ખર્ચમાં ઘટાડાને કારણે 245 અબજ ડોલરની IT ઇન્ડસ્ટ્રીઝ દબાણમાં છે.

કંપનીએ કર્મચારીઓને ઇમેઇલમાં કહ્યું હતું કે આ 80 ટકાનું વેરિયેબલ બોનસ પહેલા ત્રિમાસિકની તુલનાએ સમાન છે, પણ નાણાકીય વર્ષ 2022ની 60-70 ટકાની તુલનાએ વધુ છે. કંપનીએ આ વર્ષે માર્ચ ત્રિમાસિકમાં 60 ટકા વેરિયેબલ બોનસ ચૂકવ્યું હતું.