સપ્તાહના પ્રારંભે મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈએ

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં તેજીની આગેકૂચ થઈ હતી. જુલાઈ કોન્ટ્રેક્ટ સિરીઝના બીજા દિવસે શેરોમાં IT શેરોની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. અમેરિકી PCE ફુગાવામાં ઘટાડાની સાથે સપ્ટેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજદરકાપની આશા બળવત્તર બનવાથી IT, મેટલ અને ફાઇનાન્શિયલ શેરોમાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ચાર લાખ કરોડનો વધારો થયો હતો.

દેશભરમાં પડી રહેલા સારા વરસાદને પગલે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ બંધ થવામાં સફળ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ પણ નવા શિખરે બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ 443.46 પોઇન્ટ ઊછળી 79,476ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 131.35 પોઇન્ટ ઊછળી 24,000ની સપાટી વટાવીને 24,141.95ના મથાળે બંધ રહ્યો હતો. આ સાથે કંપનીઓનાં જૂન ત્રિમાસિક પરિણામો જાહેર થશે, જેના પર રોકાણકારોની નજર રહેશે.BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 28 જૂનના રૂ. 443.12 લાખ કરોડે પહોંચ્યું હતું, જેમાં આજે રૂ. 3.88 લાખ કરોડનો વધારો થયો હતો.

IT શેરોમાં અંદાજ કરતાં પ્રોત્સાહક પરિણામોની અપેક્ષાએ તેજી થઈ હતી, જ્યારે માગમાં સુધારાને કારણે સિમેન્ટ શેરોમાં તેજી થઈ હતી. જૂનના વેચાણની અસરે ઓટો કંપનીઓમાં તેજી થઈ હતી. જ્યારે વ્યાજકાપની અપેક્ષાએ ફાઇનાન્શિયલ શેરોમાં પણ તેજી થઈ હતી.

BSE પર કુલ 4146 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2652 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1348 શેરો ઘટીને બંધ થયા હતા, જ્યારે 146 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 345 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 27 શેરોએ નવી નીચલી સપાટી સર કરી હતી.