નવી દિલ્હીઃ ટામેટાંની કિંમતોમાં આશરે આઠ ગણો વધારાએ દેશના કેટલાય ખેડૂતોને શ્રીમંત બનાવી દીધા છે. જોકે બજારોમાં ટામેટાંનો જેમ સપ્લાય વધશે, તેમ કિંમતો નીચે આવશે. રવિવારે એક કિલો ટામેટાંની કિંમતો રૂ. 178 હતી, જે પહેલી જાન્યુઆરીની તુલનાએ 700 ટકા વધુ હતી. રાષ્ટ્રીય સ્તરે સરેરાશ ટામેટાંની કિંમત પ્રતિ કિલો રૂ. 120 છે.
દેશમાં પડેલા ભારે વરસાદ અને હવામાનના ફેરફારોને કારણે કિંમતોમાં ઉછાળો આવ્યો છે અને સપ્લાયમાં મુશ્કેલીઓ આવી, જેથી ગ્રાહકોની તો હાલત કફોડી થઈ ગઈ હતી, પરંતુ ખેડૂતોને ખુશ કરી દીધા છે. જોકે કેટલાંય ઘરોમાં ટામેટાંનો વપરાશ બંધ કરી દીધો છે તો કેટલાંય ઘરોએ એનો વપરાશ સાવ ઘટાડી દીધો છે. ઇશ્વર ગાયકર અને એની પત્નીએ આ સીઝનમાં રૂ. 2.4 કરોડનો નફો કર્યો હતો, કેમ કે મહારાષ્ટ્રના ઝુન્નરની પાસે 12 એકરમાં તેમણે ટામેટાં વાવ્યાં હતાં. એ આંકડો ગયા વર્ષે રૂ. 15 લાખની કમાણીથી અનેક ગણો વધુ છે, એમ બ્લુમબર્ગનો રિપોર્ટ કહે છે.
આ દંપતી આ વિસ્તારમાં સૌથી મોટા ટામેટાંના સપ્લાયર છે, જેમની પાસે દેખરેખથી માંડીને કામકાજ માટે 60થી 70 મજૂર પણ છે. ટામેટાંની વધતી કિંમતોએ ઇશ્વરે ના માત્ર કરોડપતિ બનાવી દીધો પણ રાતોરાત તે વિસ્તારનો એક સેલિબ્રિટી બની ગયો છે અને મિડિયાવાળા એના ઇન્ટરવ્યુ માટે લાઇનમાં લાગેલા છે. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં તેણે આશરે 350 ટન ટામેટાં સપ્લાય કર્યા છે અને બધું સમુંસૂતરું રહ્યું તો તેને હજી 150 ટન ટામેટાં વેચાવાની આશા છે.