IC15 ઇન્ડેક્સમાં 300 પોઇન્ટનો ઘટાડો

નવી દિલ્હીઃ સ્પોટ બિટકોઇન ઈટીએફ વિશે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન નિર્ણય લે એની પહેલાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સાવધાનીનું વાતાવરણ હતું. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – IC15ના ઘટકોમાંથી સોલાના, કાર્ડાનો, પોલિગોન અને અવાલાંશ સાત ટકા સુધી ઘટ્યા હતા, જ્યારે ચેઇનલિંક, યુનિસ્વોપ, એક્સઆરપી અને લાઇટકોઇનમાં આઠેક ટકા જેટલો વધારો થયો હતો.

દરમિયાન, અમેરિકામાં ડિજિટલ એસેટ્સના નિયમન સંબંધે ચર્ચા કરવા માટે કોઇનબેઝના CEO બ્રાયન આર્મસ્ટ્રોંગ અને સંસદના ડેમોક્રેટ્સ વચ્ચે ખાનગી ધોરણે મુલાકાત થવાની છે. બીજી બાજુ, બીજિંગની મહાનગરપાલિકાએ ડિજિટલ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનવાની દ્રષ્ટિએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેઇન તથા અન્ય ડિજિટલ ટેક્નોલોજીસમાં 10,000 લોકોને તાલીમ આપવા માટેની યોજના ઘડી છે.

ત્રણ વર્ષે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.75 ટકા (300 પોઇન્ટ) ઘટીને 39,581 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,881 ખૂલીને 40,051ની ઉપલી અને 39,480 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.