યૂક્રેન પર આક્રમણ: અસંખ્ય કંપનીઓ દ્વારા રશિયાનો બહિષ્કાર

મુંબઈઃ પ્રમુખ વ્લાદિમીર પુતિનની આગેવાની હેઠળ રશિયાના શાસને પડોશના લોકતાંત્રિક દેશ યૂક્રેન પર આક્રમણ કર્યું એના વિરોધમાં અમેરિકાની આગેવાની હેઠળ NATO, પશ્ચિમી તથા દુનિયાના બીજા અનેક દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો-નિયંત્રણો લાદ્યા છે. એને પગલે અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓએ રશિયામાં એમની ધંધાકીય પ્રવૃત્તિઓ કાં તો ઘટાડી દીધી છે, અટકાવી દીધી છે અથવા સાવ બંધ કરી દીધી છે. રશિયામાં પોતાની હાજરી ઘટાડી દેનાર કે પાછી ખેંચી લેનાર કંપનીઓની યાદી નીચે મુજબ છેઃ

ફિલ્મ અને ટીવી

ડિઝની, વોર્નર બ્રધર્સ, સોની પિક્ચર્સ એન્ટરટેનમેન્ટ કંપનીઓએ રશિયામાં નવી ફિલ્મો રિલીઝ કરવાની અટકાવી દીધું છે.

સ્પોર્ટ્સવેર અને ફેશન

અદિદાસે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે રશિયન ફૂટબોલ યૂનિયન સાથે પોતાની ભાગીદારીનો અંત લાવી દીધો છે.

નાઈકીએ ડિલીવરીની ગેરન્ટી આપી ન શકવાને કારણે રશિયામાં પોતાની વેબસાઈટ અને એપને આઈટમોની ખરીદી માટે અનુપલબ્ધ જાહેર કરી દીધી છે.

પ્યૂમાએ રશિયાને માલ મોકલવાનું બંધ કરી દીધું છે. રશિયામાં તેના 100 સ્ટોર છે.

H&M કંપનીએ હાલપૂરતું, રશિયામાં પોતાના તમામ વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ટેક્નોલોજી

એપલે તેના બધા પ્રોડક્ટ્સના વેચાણને અટકાવી દીધા છે.

આલ્ફાબેટની માલિકની ગૂગલે રશિયન બ્રોડકાસ્ટર્સ RT અને સ્પૂતનિક સાથે જોડાયેલી મોબાઈલ એપ્સને પ્રતિબંધિત કરી દીધી છે. આ પહેલાં તે રશિયન સત્તાવાર પ્રકાશકો-એજન્સીઓને સમાચારો-સંબંધિત સુવિધા પર પ્રતિબંધ મૂકી ચૂકી છે.

માઈક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે તે વિન્ડોઝ એપ સ્ટોરમાંથી રશિયાની સત્તાવાર RT એજન્સીની મોબાઈલ એપ્સ દૂર કરી દીધી છે અને રશિયાના સત્તાવાર સ્પોન્સર્ડ મિડિયા પર જાહેરખબરો દર્શાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ડેલ ટેક્નોલોજીસે યૂક્રેન અને રશિયામાં પોતાના પ્રોડક્ટ્સના વેચાણને અટકાવી દીધું છે.

નાણાકીય સેવાઓ

વિઝાએ તેના રશિયન ક્લાયન્ટ્સ સાથે કામ કરવાનું બંધ કરી દીધું છે. રશિયાની બહાર ઈસ્યૂ કરાયેલા વિઝા કાર્ડ રશિયાની અંદર વાપરી નહીં શકાય.

માસ્ટરકાર્ડે પણ રશિયામાં તેની બિઝનેસ કામગીરીઓને અટકાવી દીધી છે.

ઓટોમેકર્સ

મર્સિડીઝ-બેન્ઝે એવી ઈચ્છા દર્શાવી છે કે તે રશિયાની ટ્રક-બસ, એન્જીન ઉત્પાદક કંપની કમાઝમાં પોતાની 15 ટકા માલિકીને શક્ય એટલી વહેલી તકે વેચી દેવા માગે છે.

અમેરિકાની જનરલ મોટર્સ અને સ્વીડનની વોલ્વો કાર્સ કંપનીઓએ વધુ આદેશ ન મળે ત્યાં સુધી રશિયામાં પોતાના વાહનોની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

જાપાનની મિત્સુબિશીએ પણ રશિયામાં તેના વાહનોનું ઉત્પાદન અને વેચાણ અટકાવી દીધું છે.

હાર્લી-ડેવિડસને રશિયામાં તેની કામગીરીઓ તથા મોટરબાઈક્સ સપ્લાય-ડિલિવર કરવાનું અટકાવી દીધું છે.

ફોર્ડ કંપનીએ રશિયામાં પોતાની કામગીરીઓને અટકાવી દીધી છે.

બ્રિટનની જેગુઆર લેન્ડ રોવર અન એસ્ટન માર્ટિન લક્ઝરી કાર ઉત્પાદક કંપનીઓએ રશિયામાં વાહનો મોકલવાનું અટકાવી દીધું છે.

જર્મનીની બીએમડબલ્યુએ રશિયામાં વાહનોની નિકાસને બંધ કરી દીધી છે. તેણે રશિયામાં ઉત્પાદન પણ બંધ કરી દીધું છે.

હોન્ડાએ રશિયામાં ઓટોમોટિવ અને મોટરસાઈકલોની નિકાસને સ્થગિત કરી દીધી છે.

મઝદાએ રશિયામાં વાહનોની નિકાસ અટકાવી દીધી છે.

વસ્ત્રો (એપરલ)

સ્પેનની દુનિયાની સૌથી મોટી વસ્ત્ર રીટેલર કંપની ઈન્ડીટેક્સની માલિકીની ઝારા કંપનીએ રશિયામાં તેના 500 સ્ટોર્સને બંધ કરી દીધા છે.

ટેલિકોમ

સ્વીડનની ટેલિકોમ સામગ્રી ઉત્પાદક એરિક્સને રશિયામાં પોતાનું વેચાણ સ્થગિત કરી દીધું છે.

ઈન્ડસ્ટ્રિયલ

સ્વીડનની એન્જિનિયરિંગ કંપની સેન્ડવિકે રશિયામાં પોતાની કામગીરીઓ સસ્પેન્ડ કરી દીધી છે. એટલસ કોપ્કોએ પણ રશિયા માટેની નિકાસને અટકાવી દીધી છે. એવી જ રીતે ફિનલેન્ડની એન્જિનિયરિંગ કંપની મેટ્સો ઓટોટેકએ પણ તેની રશિયામાં માલસામાન ડિલિવર કરવાનું અટકાવી દીધું છે.

સીમેન્સ કંપનનીએ રશિયા માટેની તેની નિકાસ તથા નવો બિઝનેસ અટકાવી દીધા છે.

લોજિસ્ટિક્સ અને શિપિંગ

યૂપીએસ અને ફેડેક્સે રશિયા અને યૂક્રેનમાં ડિલિવરી કરવાનું અટકાવી દીધું છે.

મર્સ્કે રશિયામાંથી માલ ઉપાડવાનું અને ત્યાં મોકલવાનું અટકાવી દીધું છે.

જર્મનીની શિપિંગ ઓપરેટર હેપાગ લોઈડે રશિયા માટેનું બુકિંગ અટકાવી દીધું છે.

એવિએશન

બોઈંગ કંપનીએ રશિયાની એરલાઈનોને વિમાનોના છૂટાં ભાગ આપવાનું, જાળવણી સેવા પૂરી પાડવાનું અને ટેક્નિકલ સહાયતા પૂરી પાડવાનું બંધ કરી દીધું છે.

એરબસ કંપનીએ રશિયામાં છૂટાં ભાગોની નિકાસ કરવાનું કે એને બદલી આપવાનું, રશિયાની એરલાઈનોને સહાયતા કરવાનનું બંધ કરી દીધું છે.