ક્રૂડ ઓઇલ 14-વર્ષની મહત્તમ સપાટીએઃ બેરલદીઠ 10 $નો ઉછાળો

ટોક્યોઃ રશિયાની સામે આકરા પ્રતિબંધોની વધતી માગની વચ્ચે ઓઇલની કિંમતમાં પ્રતિ બેરલ 10 ડોલરથી વધુનો ઉછાળો આવ્યો હતો અને શેરબજારમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક ઓઇલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ઇન્ટ્રા-ડેમાં પ્રતિ બેરલ 10 ડોલર ઊછળીને 130 ડોલર થયું હતું. એ સાથે રશિયાની સામે આખરા પ્રતિબંધોના વધતા આહવાનની વચ્ચે યુક્રેનમાં સંઘર્ષને જવાબદાર માનવામાં આવે છે. લિબિયાની રાષ્ટ્રીય ઓઇલ કંપનીએ કહ્યું હતું કે એક સશસ્ત્ર સમૂહે બે મહત્ત્વપૂર્ણ ઓઇલ ક્ષેત્રોને બંધ કરી દીધાં હતાં. જે પછી ઓઇલની કિંમતો વધી હતી.

રશિયા અને યુક્રેનની વચ્ચે લડાઈ પૂરી થવાનાં એંધાણ નથી, જેથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં આગ લાગી છે. ગઈ કાલે ક્રૂડ ઓઇલની કિંમતો 139  ડોલરને પાર ચાલી ગઈ હતી. આ ઉપરાંત રિઝર્વ બેન્કના નીતિ વિષયક વલણમાં ભારે ફેરફાર કર્યો હતો અને એને લીધે શેરબજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે ક્રૂડની કિંમતમાં આવેલા વધારાની પ્રતિકૂળ અસર આવનારા દિવસોમાં કંપનીઓ, રોકાણકારો, સામાન્ય લોકો અને સરકાર પર જોવા મળી શકે.

એક અંદાજ મુજબ જો ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમત 120 ડોલર પ્રતિ બેરલ રહેશે તો ભારતીય અર્થતંત્ર પર 70 અબજ ડોલરનો વધારાનો બોજ પડી શકે છે. એનાથી મોંઘવારી વધશે અને કંપનીની નફાશક્તિ પર એની પ્રતિકૂળ અસર પડશે, એમ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીએ જણાવ્યું હતું. એનાથી ઓદ્યૌગિક ફ્યુઅલ પર આઠ અબજ ડોલર, ફ્રેટ કોસ્ટ 11 અબજ ડોલર અને અન્ય ઉત્પાદનોની કિંમત પર ચાર અબજ ડોલરનો વધારાનો બોજ પડશે.