વર્લ્ડકપ-2023માં વહેશે દારૂની નદીઓ; શરાબ કંપનીઓ કરોડો રૂપિયાના કરાર

મુંબઈઃ દર ચાર વર્ષે રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધાની નવી આવૃત્તિનો આજથી ભારતમાં આરંભ થયો છે. ક્રિકેટ રસિયાઓની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. કોઈ પણ રમતની વર્લ્ડ કપ સ્પર્ધા યોજાય ત્યારે દુનિયાભરની વિવિધ કંપનીઓને નફો કમાવાની અને પોતાની બ્રાન્ડને દુનિયાભરમાં પહોંચાડવાની સુવર્ણ તક મળે છે. ક્રિકેટ વર્લ્ડ કપ પણ એમાંની જ એક છે. અનેક કંપનીઓ આ વર્લ્ડ કપ દરમિયાન પોતાનો ધંધાકીય નફો રળવા માટે સજ્જ થઈ ગઈ છે. આમાં ઓટીટી એપ્સ, ટ્રાવેલ બુકિંગ વેબસાઈટ્સ, મોબાઈલ ગેમિંગ એપ્સ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. દરેક કંપની પોતપોતાની રીતે નફો કમાવવાના પ્રયત્નમાં લાગી પડી છે. આમાં દારૂ અને બીયર કંપનીઓ પણ પાછળ રહી નથી. આ વખતની સ્પર્ધામાં કરોડો રૂપિયાના દારૂ અને બીયરની ખરીદી-વેચાણ થવાનું છે.

બીયર કંપની સાથે 66 કરોડનો કરાર

બીયર કંપની બીરા 91 અને શરાબ ઉત્પાદક કંપની રોયલ સ્ટેગ સાથે આઈસીસી સંસ્થા દ્વારા કરોડો રૂપિયાની રકમના સ્પોન્સરશિપ કરાર કરવામાં આવ્યા છે. આઈસીસીએ આઠ અધિકૃત પાર્ટનર કંપનીઓ સાથે સ્પોન્સરશિપ કરાર કર્યો છે. એમાંની એક છે બીયર કંપની બીરા 91. આ બીયર કંપની ઉપરાંત થમ્સ-અપ, નિસ્સાન, ઓપ્પો, પોલીસેબ, અપસ્ટોક્સ, નિઆમ, ડ્રીમ-11, ટાયકા, નિયર ફાઉન્ડેશન અને ડીપી વર્લ્ડ કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

આઈસીસીએ પ્રત્યેક બ્રાન્ડ સાથે આશરે 30-40 લાખ ડોલર (અંદાજે 33 કરોડ રૂપિયા)નો કરાર કર્યો છે.