મુંબઈઃ ભારતમાં સૌથી શ્રીમંત લોકો કુલ વસ્તીના એક ટકા જેટલા છે. એમની પાસે દેશની કુલ સંપત્તિનો 40 ટકાથી વધારે હિસ્સો છે. જ્યારે નિમ્ન સ્તરે રહેલી જનતા પાસે કુલ મળીને માત્ર 3 ટકા સંપત્તિ છે. આ જાણકારી એક નવા અભ્યાસ પરથી પ્રાપ્ત થઈ છે.
ઓક્સફેમ ઈન્ટરનેશનલ સંસ્થાએ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વાર્ષિક સંમેલનમાં ભારત વિશે રજૂ કરેલા પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતના 10 સૌથી શ્રીમંતો પર પાંચ ટકા કરવેરો પણ જો લાદવામાં આવે તો એ રકમમાંથી આખા દેશમાં બાળકોને ભણવા માટે શાળાઓમાં ફરી લાવવા પાછળનો આખો ખર્ચો નીકળી જાય. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર એક અબજોપતિ ગૌતમ અદાણી પર 2017-2021 દરમિયાન એમણે કરેલા અપ્રાપ્ત નફા ઉપર જો એક-ટકો ટેક્સ નાખવામાં આવે તો એમાંથી રૂ. 1.79 લાખ કરોડ મેળવી શકાય એમ છે. આ રકમમાંથી આખા દેશમાં એક વર્ષ સુધી પ્રાથમિક શાળાઓમાં 50 લાખ જેટલા શિક્ષકોનાં પગારનો ખર્ચો નીકળી જાય.