એમેઝોન-ઈન્ડિયાઃ બરતરફ કરાયેલા કર્મચારીઓ ઓફિસમાં રડી પડ્યા

બેંગલુરુઃ અમેરિકાની ઈ-કોમર્સ ક્ષેત્રની ટોચની કંપની એમેઝોનએ વિશ્વસ્તરે 18,000 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લીધો છે. ભારતમાં 1,000 કર્મચારીઓને છૂટા કરાશે. એવા અહેવાલો જાણવા મળ્યા છે કે અમુક કર્મચારીઓ એમને જવાનું કહેવામાં આવ્યું ત્યારે ઓફિસમાં રડી પડ્યા હતા.

ભારતીય પ્રોફેશનલ વ્યક્તિઓ માટેની એક સામુદાયિક એપ પર એમેઝોન ઈન્ડિયાના એક કર્મચારીએ ઓફિસોના ગમગીન દ્રશ્યોવાળા ફોટા, વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં નોકરીમાંથી છૂટા કરવાની જાહેરાત બાદ રડી રહેલા કર્મચારીઓને જોઈ શકાય છે. ભારતમાં એમેઝોન ઈન્ડિયાની બેંગલુરુ, ગુરુગ્રામ તથા અન્ય શહેરોમાંની ઓફિસોમાં નવા તેમજ અનુભવી, એમ બંને પ્રકારનાં કર્મચારીઓમાંના ઘણાને છૂટા કરવામાં આવી રહ્યા છે. કંપનીએ ઘણા વિભાગો બંધ કરી દીધા છે. કોર્પોરેટ ચેટ ઈન્ડિયાએ પણ એમેઝોન ઈન્ડિયાની ઓફિસના ઉદાસ વાતાવરણના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા છે.

એક કર્મચારીએ પોસ્ટમાં લખ્યું છે, મારી ટીમના આશરે 75 ટકા લોકો જતા રહ્યા છે. બાકી રહેલા 25 ટકામાં હું સામેલ છું. મને કામ કરવાનો હવે જરાય ઉત્સાહ રહ્યો નથી.