ભારતીય શેરબજારોમાં 2021માં સતત છઠ્ઠા વર્ષે તેજી રહી

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં 2021માં સતત છઠ્ઠા વર્ષે તેજી જોવા મળી હતી. તમામ પડકારો છતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ક્રમશઃ 22 ટકા અને 24 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પહેલાં બજારની દ્રષ્ટિએ સૌથી સારું વર્ષ 2017 રહ્યું હતું, જેમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 28 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ પહેલાં 2020માં સેન્સેક્સ અને નિફ્ટીમાં 15-16 ટકા તેજી જોવા મળી હતી. જોકે એ વર્ષ કોરોનાના રોગચાળાને લીધે દેશભરમાં લોકડાઉનને કારણે ભારતીય ઈક્વિટી બજાર 20 ટકા તૂટી ગયા હતા. એ પછી માર્ચ, 2020 પછી બજારમાં જોરદાર રિકવરી આવી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 2021માં ભારતમાં 3.86 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું હતું. જોકે ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળામાં  FIIએ 4.70 અબજ ડોલરની વેચવાલી પણ કરી હતી.

વર્ષ 2021માં સ્મોલ અને મિડકેપ શેરોનો બનેલો BSE મિડકેપ ઇન્ડેક્સ 29 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 63 ટકા વધ્યા હતા. ડિસેમ્બરમાં ભારતીય ઈક્વિટી માર્કેટ કેપનું કુલ માર્કેટ કેપ ડિસેમ્બર, 2020ના 2.52 લાખ કરોડ ડોલરથી વધીને ડિસેમ્બર, 2021માં 3.42 લાખ કરોડ ડોલરે પહોંચ્યું હતું. ભારત હાલના સમયમાં વિશ્વના ટોચનાં 10 બજારોમાં સાતમા ક્રમે છે. વિશ્વભરનાં બજારના કુલ 121.17 લાખ કરોડ ડોલરના માર્કેટ કેપમાં ભારતીય બજારનો હિસ્સો 2.83  ટકા છે. આ પહેલાં 2020માં વિશ્વના કુલ માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 2.44 ટકા હતો.  

2021માં રેકોર્ડ ડીમેટ અકાઉન્ટ ખૂલ્યાં હતાં.  જાન્યુઆરીથી નવેમ્બર, 2021ના સમયગાળામાં 2.74 કરોડ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં છે. એ પહેલાં 2020ના વર્ષમાં 1.05 કરોડ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં. જોકે 2020થી જ ઈક્વિટી માર્કેટમાં આવેલી તેજીને લીધે રિટેલ રોકાણકારોની સંખ્યામાં વધારો શરૂ થયો હતો. જોકે સેન્સેક્સ અને નિફ્ટી ઓક્ટોબરની ઊંચાઈથી આશરે 10 ટકા તૂટી ગયાં છે. જાણકારોનું કહેવું છે કે હાલ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે બજાર વોલેટાઇલ રહેવાની સંભાવના છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]