ITના દરોડાઃ શાઓમી, ઓપ્પો પર રૂ.-1000નો દંડ લાગે એવી શક્યતા

નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી અને ઓપ્પો ભારતમાં ઇન્કમ ટેક્સ કાયદાનું ઉલ્લંઘન કરીને સરકારના નિશાના પર આવી ગઈ છે. ઇન્કમ ટેક્સના નિયમોનું ઉલ્લંઘન કરીને ચીનની સ્માર્ટફોન બનાવતી કંપનીઓએ મોટી રકમની ચોરી કરી છે, એમ કેન્દ્ર સરકારનું માનવું છે. જે માટે આ કંપનીઓ પર રૂ. 1000 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવે એવી શક્યતા છે.

ગયા વર્ષે 21 ડિસેમ્બરે આવકવેરા વિભાગે દેશમાં ચીની સ્માર્ટફોન કંપનીઓની ઓફિસો અને તેમની સહયોગી કંપનીઓની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં આવકવેરા વિભાગને કેટલાક મહત્ત્વના દસ્તાવેજો મળ્યા છે. મોબાઇલ કોમ્યુનિકેશન અને મોબાઇલ હેન્ડસેટ બનાવનારી ચીની કંપનીઓથી પ્રાપ્ત દસ્તાવેજમાં એ વાતનો ખુલાસો થયો હતો કે કંપનીઓ ભારતમાં ઇન્ક્મ ટેક્સ કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન કરી રહી છે. આવકવેરા વિભાગે આ મામલે કર્ણાટક, તામિલનાડુ, આસામ, પશ્મિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મિહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, દિલ્હી અને NCRમાં ગયા સપ્તાહે દરોડા પાડવામાં આવ્યા હતા. વિભાગની આ કાર્યવાહીમાં શાઓમી અને ઓપ્પો જેવી મોટી સ્માર્ટફોન કંપનીઓ રોયલ્ટી સ્વરૂપે વિદેશ સ્થિત એમની ગ્રુપ કંપનીઓને નાણાં મોકલવાનો ખુલાસો થયો છે. આ પ્રકારે રૂ. 5500 કરોડથી વધુ રકમ મોકલવાનું માલૂમ પડ્યું છે. જે પુરાવા મળ્યા છે અને ખર્ચાઓનો હિસાબ મેળ નથી ખાતો.

ચીનની દિગ્ગજ કંપની શાઓમી અને ઓપ્પોએ આ વિશે પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા નથી. બંને કંપનીઓએ ઇન્કમ ટેક્સ કાયદા 1961ની જોગવાઈને હિસાબે ભારતમાં કામકાજનો ખુલાસો નથી કર્યો.