મુંબઈઃ કોરોના વાઈરસ બીમારાના ફેલાવા, લોકડાઉનથી થયેલા નુકસાનનું સંકટ ઘટી રહ્યું છે. એ સાથે જ ભારતીય કોર્પોરેટ કંપનીઓનો નફો વધવા માંડ્યો છે. નાણાકીય વર્ષના છેલ્લા બે ક્વાર્ટર દરમિયાન આ કંપનીઓના નફામાં ડબલ ડિજિટમાં વૃદ્ધિ થઈ છે. કંપનીઓ દ્વારા ખર્ચમાં કાપ મૂકાતા, જાહેરખબર પાછળનો ખર્ચ ઘટી જતાં અને તહેવારોની મોસમમાં માગ વધી જવાને કારણે કોર્પોરેટ કંપનીઓનો નફો વધ્યો છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, દેશની 3,087 કોર્પોરેટ કંપનીઓએ 2020-2021ના ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટરના ચોખ્ખા નફામાં 67.7 ટકા વધારો નોંધાવ્યો હતો. તે છેલ્લા નવ મહિનામાં થયેલા નફાનું સર્વોચ્ચ સ્તર છે.
કોરોના સંકટ વખતે કંપનીઓએ ખર્ચ ઘટાડી દીધો હતો, કમર્શિયલ જાહેરખબરો પાછળનો ખર્ચ ઓછો થયો હતો અને અનેક પ્રોડક્ટ્સને મિક્સ કરી દીધી હતી. એને કારણે એમનો માર્જિન વધ્યો હતો. આઈટી, ઓટો, બેન્ક, સીમેન્ટ અને મેટલ સેક્ટરની કંપનીઓએ નફા મામલે સારો દેખાવ કર્યો હતો. ફાર્મા અને ઓઈલ-ગેસ કંપનીઓએ જોરદાર નફો કર્યો. બીપીસીએલ કંપનીનો ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાંનો ચોખ્ખો નફો વધીને રૂ. 2,777.6 કરોડ પર પહોંચી ગયો. એ પહેલાં, 2019-20ના એ જ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 2,247 કરોડનો નફો કર્યો હતો. સૌથી વધારે નુકસાન એવિએશન અને ટૂરિઝમ સેક્ટરને થયું.