ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં 40નો ઉમેરો થયો

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાથી ગ્રસ્ત રહેલા 2020ના વર્ષમાં અબજોપતિઓના સમૂહમાં 40 ભારતીયો પ્રવેશ્યા છે. આ સાથે, ‘હુરુન ગ્લોબલ રિચ’ની પ્રતિષ્ઠિત યાદીનો આંકડો વધીને 177 થયો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી સૌથી શ્રીમંત ભારતીય તરીકે યથાવત્ રહ્યા છે. એમની કુલ સંપત્તિનો આંક છે 83 અબજ ડોલર. એમની સંપત્તિમાં 24 ટકાનો ઉછાળો આવ્યો છે. વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિઓની યાદીમાં અંબાણી હવે એક નંબર ઉંચે જઈને 8મા નંબરે પહોંચ્યા છે. અમદાવાદ સ્થિત ગૌતમ અદાણીની સંપત્તિમાં છેલ્લા અમુક વર્ષોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 2020માં એમની સંપત્તિ લગભગ ડબલ થઈ ગઈ હતી. એમણે ગ્લોબલ યાદીમાં 20 સ્થાનની છલાંગ લગાવી છે અને હવે 48મા નંબર પર છે. ભારતમાં તેઓ મુકેશ અંબાણી બાદ બીજા નંબરે છે. યાદીમાં એચસીએલના શિવ નાદર, સોફ્ટવેર કંપની Zcalerના જય ચૌધરી, બૈજુ રવીન્દ્રન અને પરિવાર, મહિન્દ્ર ગ્રુપના આનંદ મહિન્દ્ર અને પરિવાર, પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ, બાયોકોનનાં કિરણ મઝુમદાર, ગોદરેજના સ્મિતા વી. કૃષ્ણા, લુપીનનાં મંજુ ગુપ્તાનો સમાવેશ થાય છે.

યાદીમાં પહેલા નંબર પર છે ટેસ્લા કંપનીના એલન મસ્ક, જેમની સંપત્તિ 197 અબજ ડોલર છે. બીજા નંબર પર એમેઝોનના જેફ બેઝોસ છે – 189 અબજ ડોલરની સંપત્તિ સાથે અને ફ્રાન્સના ફેશન હાઉસ LVMHના બર્નાર્ડ આર્નોલ્ટ 114 અબજ ડોલર સાથે ત્રીજા નંબર પર છે.

(તસવીર સૌજન્યઃ @HURUNINDIA)