આઇસી15 ઇન્ડેક્સ 309 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ રોકાણકારોને ડિજિટલ એસેટ્સમાં વિશ્વાસ વધ્યો એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વૃદ્ધિ થઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.70 ટકા (309 પોઇન્ટ) વધીને 44,220 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 43,911 ખૂલ્યા બાદ 44,275ની ઉપલી અને 43,338ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાંથી એક્સઆરપી 9.44 ટકા વૃદ્ધિ સાથે ટોચનો વધનાર કોઇન હતો. ઉપરાંત, યુનિસ્વોપ, કાર્ડાનો અને અવાલાંશમાં 4થી 6 ટકા વધારો થયો હતો. સોલાના અને ટ્રોન અનુક્રમે 1.98 ટકા અને 0.93 ટકા ઘટ્યા હતા.

દરમિયાન, હોંગકોંગના સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશને સ્પોટ ક્રીપ્ટો ઈટીએફ ખરીદવા માટે રિટેલ રોકાણકારોને છૂટ આપવા વિશે વિચાર શરૂ કર્યો હોવાનું બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બીજી બાજુ, અબુ ધાબી ડિસેન્ટ્રલાઇઝ્ડ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન્સ તથા ડીએલટી ફાઉન્ડેશન માટે નવું કાનૂની માળખું રચવા જઈ રહ્યું છે. માળખું રચાયા બાદ આ સંસ્થાઓ કાનૂની રીતે ટોકન ઇસ્યૂ કરી શકશે.

એક અહેવાલ મુજબ નેશનલ બેન્ક ઓફ જ્યોર્જિયાએ પોતાની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) માટે ટેક્નોલોજી પ્રોવાઇડર તરીકે રિપલ સાથે સહયોગ સાધ્યો છે. પેમેન્ટ ક્ષેત્રની વિશાળ કંપની વિઝાએ ડિજિટલ હોંગકોંગ ડોલરનો પ્રયોગ શરૂ કર્યો છે.