ટેસ્લા કાર આવતા વર્ષે ભારતના રસ્તાઓ પર ફરતી થશે

મુંબઈઃ ઈલોન મસ્ક હાલ વિશ્વમાં સૌથી ધનવાન વ્યક્તિ છે. તેઓ દુનિયામાં સૌથી લોકપ્રિય કાર બ્રાન્ડ ટેસ્લાના માલિક છે. ટેસ્લા કંપની ઈલેક્ટ્રિક કાર બનાવે છે અને તે ઘણા મોટા દેશોમાં ઉપલબ્ધ છે. પરંતુ આ કાર તેઓ હજી સુધી ભારતમાં લાવ્યા નથી, જે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે મસ્કે વચન આપ્યું હતું કે તેઓ શક્ય એટલી વહેલી તકે ટેસ્લા કાર ભારતમાં લોન્ચ કરશે.

હવે એવા અહેવાલો છે કે મસ્ક આવતા વર્ષે ટેસ્લા કાર ભારતના રસ્તાઓ પર ફરતી મૂકે એવી ધારણા છે. કેન્દ્ર સરકાર આ માટે મસ્કની કંપનીને તમામ આવશ્યક મંજૂરીઓ આપવા માટેની પ્રક્રિયા પર વિચારણા કરી રહી છે. હાલ એવું જણાય છે કે 2024ના જાન્યુઆરી સુધીમાં ટેસ્લાની કાર ભારતના માર્ગો પર ફરતી દેખાશે.

ભારતમાં જે આયાતી કારની કિંમત 40 હજાર ડોલર (આશરે રૂ. 30 લાખ)થી વધારે હોય તેની પર 100 ટકા ટેક્સ લાદવામાં આવે છે. આમાં વીમા અને શિપિંગ ખર્ચનો પણ સમાવેશ થાય છે. જે કારની કિંમત 40 હજાર ડોલરથી ઓછી હોય તેમની પર 40 ટકાનો ઈમ્પોર્ટ ટેક્સ લાગે છે. ટેસ્લા કાર ઈમ્પોર્ટ ટેક્સથી બચવા માટે તેની કારનું ઉત્પાદન ભારતમાં જ કરવા માગે છે જેથી ભારતમાં આ કાર ગ્રાહકોને સસ્તી કિંમતમાં પડે.