ડીપફેક વિડિયો પર ઝારાએ કહ્યું, ‘મને મહિલાઓના ભવિષ્યની ચિંતા’

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતીય ભાષાઓ તથા હિન્દી ફિલ્મોની મશહૂર એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના વાઇરલ થયેલા ડીપફેક વિડિયો બનાવવામાં જે યુવતીના વિડિયો ક્લિપનો ઉપયોગ થયો છે, તેણે સોમવારે કહ્યું હતું કે હું આ ઘટનાથી બહુ વ્યથિત તથા નારાજ છે. ઝારા પટેલ નામની આ યુવતીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું કે તે યુવતીઓ તથા મહિલાઓના ભવિષ્યને લઈને ચિંતિત છે, જેણે હવે સોશિયલ મિડિયા પ્લેટફોર્મો પર પોતાના ફોટો અને વિડિયો પોસ્ટ કરવા વિશે પહેલાંથી વધુ ડરવું પડશે.

ભારતીય મૂળની બ્રિટિશ ઇન્ફ્લુએન્સર ઝારા પટેલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે નમસ્કાર…મારી જાણમાં આવ્યું છે કે કોઈએ મારા શરીર અને એક લોકપ્રિય બોલીવૂડ એક્ટ્રેસના ચહેરાનો ઉપયોગ કરીને એક ડીપફેક વિડિયો બનાવ્યો છે. આ ડીપફેક વિડિયોથી મારે નાહવાનિચોવાનો સંબંધ નથી અને જેકાંઈ થઈ રહ્યું છે, એનાથી ખૂબ વ્યથિત છું.

ઝારાએ વધુમાં લખ્યું હતું કે હું એ યુવતીઓ અને મહિલાઓના ભવિષ્ય વિશે ચિંતિત છું, જેમણે તેમના ફોટો અને વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવા માટે પહેલાં વિચારવું જોઈએ અને ડરવું જોઈએ. કૃપયા ઠંડા ડિમાગથી વિચારો અને ઇન્ટરનેટ પર દરેક બાબતની ચકાસણી કરો. ઇન્ટરનેટ પર કંઈ પણ વાસ્તવિક નથી થતું.

હાલના દિવસોમાં એક વિડિયો વાઇરલ થઈ ગયો હતો, જેમાં રશ્મિકા મંદાનાને લિફ્ટમાં પ્રવેશતા જોઈ શકાય છે. જોકે ડીપફેક ટેક્નિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આ વિડિયોમાં દેખાતી યુવતી વાસ્તવમાં ઝારા પટેલ હતી, રશ્મિકા મંદાના નહીં. રશ્મિકા મંદાનાએ પણ ટ્વીટ કરતાં લખ્યું હતું કે હું હતપ્રભ છું આવા ડીપફેક વિડિયોથી. આપણે એક સમાજ તરીકે તત્કાળ આની પર ધ્યાન આપવાની જરૂર છે.