મુંબઈઃ અમેરિકામાં બિનકૃષિ વેતનના આંકડા અને બેરોજગારીના દરની જાહેરાત થવા પૂર્વે શુક્રવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સાવચેતીરૂપ સુધારો જોવા મળ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.30 ટકા (106 પોઇન્ટ) વધીને 35,610 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,504 ખૂલ્યા બાદ 35,938ની ઉપલી અને 35,060ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ટોચના વધેલા કોઇન અવાલાંશ, કાર્ડાનો, સોલાના અને યુનિસ્વોપ હતા, જ્યારે ટ્રોન, ચેઇનલિંક, પોલીગોન અને શિબા ઇનુમાં ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન, કેનેડાના સિક્યોરિટીઝ ક્ષેત્રના વહીવટદારોએ સ્ટેબલકોઇનને લગતી માર્ગદર્શિકા બહાર પાડી છે. અમુક અપવાદોને બાદ કરતાં ચોક્કસ ક્રીપ્ટોકરન્સીના ટ્રેડિંગ માટે મંજૂરી આપવાનો મુદ્દો પણ એમાં સામેલ છે.
બીજી બાજુ બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટે કહ્યું છે કે બેન્કોએ પણ હવે પોતાનું ક્રીપ્ટોકરન્સીનું હોલ્ડિંગ જાહેર કરવું પડશે. સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર ફડચામાં ગઈ એ ઘટનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
