નવી દિલ્હીઃ માર્ચમાં GST વસૂલાત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે, એમ નાણાં મંત્રાલયે કહ્યું છે. માર્ચમાં GST વસૂલાત વધીને રૂ. 1.23 લાખ કરોડની ઊંચાઈએ પહોંચી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 27 ટકાનો વધારો દર્શાવે છે. GSTની આવક છેલ્લા મહિના દરમ્યાન એક લાખ કરોડ રૂપિયાથી વધુ રહી છે અને આ સમયગાળામાં GSTની આવકમાં ઝડપથી વધારો થયો છે. કોરોના રોગચાળા પછી આર્થિક સુધારાના સ્પષ્ટ સંકેત મળ્યા છે, એમ મંત્રાલયે કહ્યું છે.
GST, આવકવેરો અને કસ્ટમ ચાર્જ- આઇટી પ્રણાલી સહિત બહુપક્ષી સ્રોતોથી મળતા ડેટાનો ઉપયોગ કરીને નકલી બિલિંગની સામે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી કેન્દ્રની આવકમાં વધારો થાય.
કુલ GSTની આવક માર્ચ, 2021માં રૂ. 1,23,દ902 કરોડ રહી હતી, જેમાં કેન્દ્રીય GSTના રૂ. 22,973 કરોડ, રાજ્ય GSTના રૂ. 29,329 કરોડ અને એકીકૃત GSTના રૂ. 62,842 કરોડ(ચીજવસ્તુઓની આયાત પર જમા રૂ. 31,097 કરોડ સહિત) અને અન્ય કરોના રૂ. 8757 કરોડ સામેલ છે, એમ મંત્રાલયે કહ્યું હતું.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે માર્ચ, 2021માં GSTની આવક, GSTના પ્રારંભથી સૌથી વધુ છે. છેલ્લા પાંચ મહિનાઓમાં GSTની આવક માર્ચમાં નોંધપાત્ર વધુ છે.