એક વર્ષમાં ભારતની સોનાની આયાત 471% વધી

મુંબઈઃ ગયા માર્ચ મહિનામાં, ભારતે સોનાની કરેલી આયાતનો આંકડો ગયા વર્ષના માર્ચની સરખામણીમાં 471 ટકા વધી ગયો છે. ભારતની સોનાની આયાતનો આંકડો 160 ટન જેટલો વધી ગયો છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. સોનાની આયાત પરના વેરાઓમાં કરવામાં આવેલો ઘટાડો અને સોનાની ઘટી ગયેલી કિંમતને કારણે લોકો તથા ઝવેરીઓ સોનું ખરીદવા માટે આકર્ષિત થયા હોય એવું માનવામાં આવે છે.

સોનાની આયાતમાં થયેલા આ વધારાને કારણે ભારતની વ્યાપાર ખાધ વધી ગઈ છે અને ભારતીય રૂપિયા પર દબાણ આવ્યું છે. ભારતે ગયા માર્ચમાં 321 ટન સોનાની આયાત કરી હતી. 2020ના માર્ચમાં આ આંકડો 124 ટન હતો. કિંમતની દ્રષ્ટિએ, ભારતે ગયા માર્ચમાં 8.4 અબજ ડોલરની કિંમતના સોનાની આયાત કરી હતી જ્યારે ગયા વર્ષના માર્ચમાં 1.23 અબજ ડોલર સોનાની આયાત કરી હતી. ગયા ફેબ્રુઆરીમાં, ભારત સરકારે સોનાની આયાત પરની જકાતને 12.5 ટકાથી ઘટાડીને 10.75 ટકા કરી હતી. સરકારનો ઉદ્દેશ્ય રીટેલ ડિમાન્ડને વધારવા અને સોનાની દાણચોરી ઘટાડવાનો હતો.