વડોદરામાં કોરોના સંક્રમિત જોડિયાં બાળકોનો જન્મ

વડોદરાઃ દેશમાં કોરોનાનો કેર સતત જારી છે, ત્યારે વડોદરામાં કોરોના સંક્રમિત જોડિયાં બાળકોએ જન્મ લીધો છે. શહેરની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના ડો. ઐયરે જણાવ્યું હતું કે બાળકોને ઝાડા અને પાણીની કમીને કારણે જન્મ લીધાના 15 દિવસ પછી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બંને બાળકો કોરોના સંક્રમિત છે. જોકે હવે તેમની સ્થિતિ સુધારા પર છે. જોકે બાળકોને હજી સુધી જોડિયાં બાળકોને ડિસ્ચાર્જ નથી કરવામાં આવ્યાં.

શહેરની એસએસજી હોસ્પિટલમાં આઠ નવજાત બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકો માટે એસએસજી હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડની સુવિધા ઊભી કરવામાં આવી છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં પણ બાળકોના કોરોના પોઝિટિવના કેસ નોંધવામાં આવ્યા છે.

વડોદરામાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ભરાવવા લાગી છે. વડોદરાની ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલોમાં હાલ 8223 બેડની વ્યવસ્થા છે, જે પૈકી 5356 બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગયા છે આમ વડોદરામાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે.

રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 2410 નવા કેસ નોંધાયા છે તેમ જ હોસ્પિટલના બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યા છે. રાજ્યમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં 64 ટકા ભરાઈ ગઈ છે. કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણની તીવ્રતા ઓછી હશે તેવી આશા હતી પરંતુ શહેરના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, દાખલ થનારા અમુક દર્દીઓની પરિસ્થિતિ ગંભીર હોય છે.