મોરબીમાં સ્વયંભૂ લોકડાઉનઃ વડોદરામાં કોરોના કેસોમાં ઉછાળો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા અને 26 માર્ચ પછી માત્ર સાત દિવસમાં કેસની સંખ્યામાં 77 ટકા વધારો જોવા મળ્યો છે. અમદાવાદની સાથે-સાથે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ સાથે મોરબીમાં સ્વયંભૂ મિની લોકડાઉન લદાયું છે.

રાજ્યમાં રેકોર્ડ બ્રેક 2640 કેસ નોંધાયા હતા. અમદાવાદ, સુરત પછી વડોદરામાં કોરોના કેસોમાં વધારો થયો છે. વડોદરામાં ગઈ કાલે 376 નવા કેસ આવ્યા હતા. જ્યારે એકનું મોત થયું છે.  મોતનો આંક 252એ પહોંચ્યો છે. જેથી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરામાં કોરોનાની સ્થિતિનો રિવ્યુ કરવા પહોંચ્યા છે. કોરોનાની સ્થિતિ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરશે.

અમદાવાદમાં પાછલા સાત દિવસોમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ પથારીઓની સંખ્યા 2886થી વધીને 3304 થઈ છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ અસોસિએશનના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવી જણાવે છે કે ફરીથી કેસની સંખ્યામાં વધારો થતા હોસ્પિટલો સુવિધાઓ શરૂ કરી રહી છે. હોસ્પિટલોમાં લગભગ 70 ટકા બેડ ભરાયેલા છે.મોરબીમાં મિની લોકડાઉન

મોરબીમાં પણ દરરોજ કોરોનાના કેસોમાં વધારો થતાં મોરબીનાં બજારો બપોર પછી બંધ રહેશે. શહેરમાં વધી રહેલા કેસોને પગલે ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન અને ખાદ્યતેલ એસોસિએશન દ્વારા સોસાયટી બપોરે બે વાગ્યા પછી બંધ પાડવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે બીજાં રાજ્યોમાંથી આવતા તમામ લોકોના RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યા છે.