નાની  બચત યોજનાઓના વ્યાજદર-ઘટાડા મુદ્દે સરકારનો યુ-ટર્ન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજદર ઘટાડવાની ઘોષણા કર્યાના એક જ દિવસમાં યુ ટર્ન લીધો છે. સરકારે બુધવારે જાહેર થયેલા વ્યાજદરઘટાડાનો નિર્ણય ગુરુવારે પરત ખેંચ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારામને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. આ ઘોષણાની પરત ખેંચવાની સાથે જૂના દરો યથાવત્ રહેશે, એમ નાણાપ્રધાને કહ્યું હતું. નાણાં મંત્રાલયે કહ્યું હતું કે ભૂલથી વ્યાજદરોમાં ઘટાડાનો આદેશ જારી થયો હતો. એને પાછો ખેંચવામાં આવ્યો છે.

નાણાપ્રધાને કહ્યું હતું કે સતત ચોથા ત્રિમાસિકમાં નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. સરકારના નિર્ણય મુજબ નવા નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં પીપીએફ અને એનએસસી પર વ્યાજદર ક્રમશઃ 7.1 ટકા અને 6.8 ટકા યથાવત્ રહેશે.સરકારે પહેલાં જારી કરેલા આદેશમાં પીપીએફમાં વ્યાજદર ઘટાડીને 6.4 ટકા અને એનએસસી પર 5.9 ટકા કર્યા હતા.

આ વર્ષે એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળામાં યોજનાઓના વ્યાજદર આ પ્રકારે હશે.

યોજના  વ્યાજદર
પીપીએફ  7.1 ટકા
સુકન્યા સમૃદ્ધિ યોજના  7.6 ટકા
કિસાન વિકાસપત્ર 6.9 ટકા
એનએસસી  6.8 ટકા
બેન્ક સેવિંગ્સ એકાઉન્ટ  4 ટકા
મન્થ્લી ઇન્કમ સ્કીમ  6.6 ટકા

 

 સરકારે આ પહેલાં એક વર્ષ પહેલાં નાની બચત યોજનાઓ પર વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. ત્યારે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક ગાળામાં વ્યાજદરોમાં 1.4 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

હવે સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજના દર 7.4 ટકા રહેશે. પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજદર 5.8 ટકા રહેશે. એક વર્ષની ત્રણ વર્ષ માટે ડિપોઝિટ પર વ્યાજદર 5.5 ટકા રહેશે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]