નવી દિલ્હીઃ દેશમાં વીમા પર લાગતો GST વિશ્વમાં સૌથી વધુ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 28 જુલાઈએ નાણાપ્રધાન નિર્મલા સીતારામનથી લાઇફ અને મેડિકલ ઇન્શ્યોરન્સ પર લાગુ GST દૂર કરવાની માગ કરી હતી. જેથી હવે GST કાઉન્સિલની નવ સપ્ટેમ્બરે મળનારી બેઠકમાં GST છૂટ આપવાનો પ્રસ્તાવ રજૂ થવાની શક્યતા છે.
GSTની બેઠકમાં એ પ્રસ્તાવ મંજૂર થશે તો હેલ્થ પોલિસીનું પ્રીમિયમ ઘટશે. જોકે હેલ્થ ઇન્શ્યોરન્સ પરથી GST દૂર થશે તો સરકારની રેવેન્યુમાં વાર્ષિક આવક રૂ. 3500 કરોડનું નુકસાન થશે, એમ સરકારના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો અમે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને સંપૂર્ણ રીતે GST છૂટ આપવામાં આવશે તો સરકારને વાર્ષિક રૂ. 3500ની આવકનું નુકસાન થશે, અધિકારીએ નામ નહીં જાણવાની શરતે આપ્યું હતું. હાલ ઇન્શ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર 18 ટકા GST લાગે છે. એનાથી પોલિસી મોંઘી થાય છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીને GSTથી છૂટ આપવા અંગે નિષ્ણાતોનું કહેવું હતું કે હેલ્થ ઇન્શ્યોરન્સ સસ્તા થશે પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ખતમ થવાથી હેલ્થ પોલિસીથી જોડાયેલી સેવાઓનો ખર્ચ વધી જશે. એની સીધી અસર ગ્રાહકો પર પડશે. વીમા પ્રીમિયમ પર લાગતો GST સામાન્ય લોકો પર આર્થિક બોજ વધારે છે. આ બોજ ઘણા લોકોને નવી પોલિસી લેવાથી અથવા તેમની હાલની વીમા પોલિસી ચાલુ રાખવાથી રોકે છે તેમ આકસ્મિક નાણાકીય તકલીફનું જોખમ વધારી શકે છે.