સરકાર પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા તૈયારઃ FM

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમતોની વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાની માગ જોર પકડી રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવા માટે કેન્દ્ર સરકાર ચર્ચા માટે તૈયાર છે. આગામી GST કાઉન્સિલની બેઠક આ મુદ્દે રાજ્યોના નાણાપ્રધાનોની સાથે વિચારવિમર્શ કરવામાં આવશે. જોક પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવામાં આવે અને 28 ટકા મહત્તમ સ્લેબમાં રાખવામાં આવે તો પણ એની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થાય એમ છે.

તેમણે લોકસભામાં કહ્યું હતું કે એક મુદ્દો છે, જે સભ્યો ઉઠાવી રહ્યા છે કે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવામાં આવે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ ટેક્સ છે. એક રાજ્યમાં ટેક્સ વધુ છે કે ઓછો છે, એવું હું નહીં કહું, પણ રાજ્યમાં ઈંધણ પર કર વસૂલી રહ્યાં છે. માત્ર કેન્દ્ર સરકાર એવું નથી કરી, પરંતુ કેન્દ્ર વિકાસ કાર્યો માટે આ ટેક્સ વસૂલી રહ્યું છે.

પેટ્રોલની કિંમતમાં આશરે 60 ટકા અને ડીઝલની કિંમતમાં 54 ટકા હિસ્સો રાજ્ય અને કેન્દ્રના ટેક્સનો હોય છે. કેન્દ્ર અને રાજ્યોની ટેક્સ રેવન્યુનો એક મોટો હિસ્સો સેલ્સ ટેક્સ અથવા વેટથી આવે છે. જેથી સરકારો પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં નથી લાવવા ઇચ્છતી. જોકે તેમણે કહ્યું હતું કે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ અને નેચરલ ગેસને GST હેઠળ લાવવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી.

પેટ્રોલ-ડીઝલમાં વર્ષે નજીવો ઘટાડો

કેન્દ્ર સરકારે એક વર્ષ કરતાં પણ વધુ સમયમાં પહેલી વાર બુધવારે પેટ્રોલમાં લિટરદીઠ 18 પૈસા અને ડીઝલમાં લિટરદીઠ 17 પૈસાનો ઘટાડો કર્યો હતો.