દિવાળી પહેલાં EPFOની મોટી ભેટ?: લઘુતમ પેન્શન વધવાની શક્યતા

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO)ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા — સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠક દિવાળી પહેલાં એટલે કે 10 અને 11 ઓક્ટોબરે બેંગલુરુમાં થવાની છે. અહેવાલો મુજબ આ બેઠકમાં લઘુતમ પેન્શનની રકમ રૂ. 1000થી વધારીને રૂ. 2500 પ્રતિ મહિના કરવાની ચર્ચા થવાની શક્યતા છે.

11 વર્ષ પછી પેન્શનમાં વધારો થવાની આશા

EPFO હેઠળની કર્મચારી પેન્શન યોજના (EPS-95) મુજબ હાલ ન્યૂનતમ પેન્શન રૂ. 1000 પ્રતિ મહિનો છે। આ રકમ 2014માં નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી તેમાં કોઈ ફેરફાર થયો નથી. વિવિધ કર્મચારી સંગઠનો લાંબા સમયથી માગ કરી રહ્યા છે કે વર્તમાન મોંઘવારીને જોતા રૂ. 1000 બહુ ઓછી રકમ છે. ટ્રેડ યુનિયનો અને પેન્શનર્સનાં વિવિધ સંગઠનો EPS હેઠળની પેન્શન રૂ. 7500 પ્રતિ મહિના કરવાની માગ કરી રહ્યા છે. અહેવાલો સૂચવે છે કે CBT 7.5 ગણો વધારો નહીં કરે, પરંતુ પેન્શન રૂ. 2500 સુધી વધારવાનો વિચાર કરી શકે છે.

EPFO પેન્શન કેવી રીતે નક્કી થાય છે?

EPS હેઠળ પેન્શનની ગણતરી નીચેના સૂત્રથી થાય છે:

પેન્શન = (પેન્શન લાયક પગાર × પેન્શન લાયક સેવા) ÷ 70

અહીં પેન્શન લાયક પગાર એટલે છેલ્લા 60 મહિનાના સરેરાશ બેઝિક પગાર + ડીએ, જેમાં મહત્તમ મર્યાદા ₹15,000 છે.

પેન્શન લાયક સેવા એટલે કુલ નોકરીનાં વર્ષો; જો તે છ મહિના કે તેથી વધુ હોય, તો તેને પૂર્ણ વર્ષ ગણવામાં આવે છે. પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછાં 10 વર્ષની સેવા ફરજિયાત છે.

પેન્શન લાયક પગારની મહત્તમ મર્યાદા રૂ. 15,000 પ્રતિ મહિના છે, એટલે જો કોઈ સભ્યે 35 વર્ષ સુધી સેવા આપી હોય તો તેને આશરે રૂ. 7500 પ્રતિ મહિના પેન્શન મળી શકે છે.

પેન્શન માટે લાયકાત

  • સભ્ય 58 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી નિયમિત પેન્શન મેળવવા હકદાર બને છે.
  • EPS હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 10 વર્ષની સતત સેવા જરૂરી છે.