કાંદાની કિંમત અંકુશમાં રાખવા બફર-સ્ટોક ડબલ કરાશે

નવી દિલ્હીઃ ગયા વર્ષે કાંદાની કિંમત છૂટક બજારમાં આસમાને પહોંચ્યા હતા, જેથી આ વર્ષે કાંદાના સંકટને ખાળવા માટે અને આમઆદમીના ઘરનું બજેટ ખોરવાઈ ના જાય એ માટે કેન્દ્ર સરકારે કાંદાનો બફર સ્ટોકમાં 100 વધારો કર્યો છે. અમે આ વર્ષે કાંદાનો બફર સ્ટોક બે ગણો કર્યો છે, એમ ઉપભોક્તા મામલાનાં સચિવ લીના નંદને કહ્યું હતું.

વળી, આ બફર સ્ટોકને કાંદાની અછતવાળા ક્ષેત્રોમાં વિકેન્દ્રિત રીતે સંગ્રહ કરાશે, છે, જેથી બજારમાં કાંદાની કિંમતને ઝડપથી નિયંત્રિત કરી શકાશે. કેન્દ્ર સરકાર આ માટે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને દિલ્હી સહિત 12 સ્થળોએ પહેલેથી જ કરાર કર્યા છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈ અને ચેન્નઈ સહિત અનેક શહેરોમાં કાંદાની કિંમત ઝડપથી પ્રતિ કિલોએ રૂ. 75 થઈ હતી, જેથી સરકારે રિટેલ માર્કેટમાં કાંદાની કિંમત નીચી આવે એટલા માટે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત સરકારે એમએમટીસીના માધ્યમથી કાંદાની આયાત પણ કરી હતી અને ખાનગી ખેલાડીઓને કાંદાની આયાત કરવાની પણ છૂટ આપી હતી.

વર્ષ 2020ના ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં કાંદાની કિંમતમાં વધુ વધારો થયો હતો. જેમાં મુંબઈમાં કાંદા કિલોદીઠ રૂ. 86, ચેન્નઈમાં રૂ. 83, કોલકાતામાં રૂ. 70 અને દિલ્હીમાં રૂ. 55 થયા હતા. જેથી કેન્દ્રએ કાંદાની કિંમતને અંકુશમાં લેવા માટે એના બફર સ્ટોકમાંથી એક લાખ મેટ્રિક ટનનો પુરવઠો મોટા માર્કેટ યાર્ડોને પૂરો પાડ્યો હતો, જેથી રિટેલ માર્કેટમાં ભાવ અંકુશમાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારે સફલ અને નાફેડ દ્વારા છૂટક આઉટલેટ પર કાંદાનું વેચાણ શરૂ કર્યું હતું.

કેન્દ્ર સરકારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ બફર સ્ટોક રાખવાની રજૂઆત કરી હતી, જેથી કાંદાની કિમત છૂટક બજારમાં પ્રતિ કિલો રૂ. 26 અને રૂ. 28 રહી શકે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]