મહિલા T20I બેટિંગ-રેન્કિંગ્સઃ શેફાલી વર્મા ફરી વર્લ્ડ-નંબર-1

મુંબઈઃ ભારતની આક્રમક મહિલા બેટધર શેફાલી વર્માએ મહિલાઓના T20I બેટિંગ રેન્કિંગ્સમાં ફરી નંબર-1 રેન્ક હાંસલ કરી છે. હાલમાં જ ઘરઆંગણે સમાપ્ત થયેલી દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં શેફાલીએ કરેલા જોરદાર દેખાવને કારણે એને પહેલી રેન્ક પ્રાપ્ત થઈ છે. તે શ્રેણી, જેમાં ભારતનો પરાજય થયો હતો, પરંતુ 17-વર્ષની અને રોહતકનિવાસી શેફાલી ચમકી હતી અને T20I બેટિંગ રેન્કિંગ્સ પહેલા નંબરે રહેલી ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીને પાછળ રાખી દીધી છે. ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈન ત્રીજા નંબર પર, ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ ચોથે અને ઓસ્ટ્રેલિયાની એલિસા હિલી પાંચમા નંબર પર છે. શેફાલીએ ઓસ્ટ્રેલિયામાં ગયા વર્ષે રમાઈ ગયેલી T20I વર્લ્ડ કપમાં ટોચની બેટ્સવીમેનમાંની એક બની હતી અને નંબર-1 રેન્ક હાંસલ કરી હતી. એ સ્પર્ધાની પાંચ મેચોમાં તેણે કુલ 163 રન કર્યા હતા. આ વર્ષના T20I બેટિંગ રેન્કિંગ્સમાં ટોપ-10માં શેફાલી ઉપરાંત અન્ય બે ખેલાડી પણ છે – સ્મૃતિ મંધાના (7) અને જેમિમા રોડ્રિગ્સ (9).

આઈસીસીએ બહાર પાડેલા મહિલાઓની T20I માટેના બોલિંગ રેન્કિંગ્સમાં દીપ્તી શર્માએ 7મું સ્થાન જ્યારે રાધા યાદવે 8મું સ્થાન જાળવી રાખ્યું છે.