ગૂગલ બનાવશે ‘મેડ ઈન ઈન્ડિયા’ લેપટોપ્સ; HP સાથે કરી ભાગીદારી

મુંબઈઃ ટેક્નોલોજી ક્ષેત્રની જગવિખ્યાત દિગ્ગજ કંપની ગૂગલ ભારતમાં લેપટોપ્સ બનાવવાની છે. આ માટે તેણે કમ્પ્યુટર અને લેપટોપ બનાવતી કંપની HP સાથે ભાગીદારી કરી છે. બંને કંપની ભારતમાં ક્રોમબુક લેપટોપ બનાવશે. આ લેપટોપ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. પર્સનલ કમ્પ્યુટર ઉત્પાદક HP કંપનીએ કહ્યું છે કે ચેન્નાઈ નજીક ફ્લેક્સ એકમ ખાતે ક્રોમબુકનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગૂગલ અને HP વચ્ચેની ભાગીદારીથી ગૂગલને ભારતમાં તેના ઉત્પાદનોની સપ્લાઈ વધારવામાં બળ મળશે. સાથોસાથ, ડેલ, આસુસ, એસર જેવી લેપટોપ ઉત્પાદક કંપનીઓ સાથેની હરીફાઈમાં પણ એને જોર મળી રહશે.

ભારતમાં આ પહેલી જ વાર ક્રોમબુક લેપટોપ્સ બનશે

ગૂગલની મધર કંપની અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે ભારતમાં બનનારા આ પ્રથમ ક્રોમબુક છે અને આનાથી ભારતના વિદ્યાર્થીઓ માટે સસ્તા અને સુરક્ષિત કમ્પ્યુટિંગ સુધી પહોંચવાનું ગૂગલ માટે આસાન બની રહેશે. ક્રોમબુક શિક્ષણ ક્ષેત્રમાં અગ્રગણ્ય ઉપકરણ છે. દુનિયાભરમાં પાંચ કરોડથી વધારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરે છે.

કેટલી હશે ક્રોમબુકની કિંમત?

પ્રોપરાઈટરી ઓપરેટિંગ સિસ્ટમવાળા નોટબુકની સરખામણીમાં ક્રોમબુક સસ્તા છે. ગૂગલ-HPના નવા ક્રોમબુક રૂ. 15,990ની કિંમતમાં મળે છે. આ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. ક્રોમબુકનું સ્થાનિક ઉત્પાદન HPના મેડ ઈન ઈન્ડિયા PC પોર્ટફોલિયોના વિસ્તાર તરીકે છે. HP કંપની 2020થી ભારતમાં પર્સનલ કમ્પ્યુટર બનાવે છે. તે HP EliteBooks, HP ProBooks અને HP G8 શ્રેણીના નોટબુક અને લેપટોપ બનાવે છે. ભારતમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી હાર્ડવેર ક્ષેત્રમાં ભારત સરકારે શરૂ કરેલી રૂ. 17,000 કરોડની ઉત્પાદન-સંલગ્ન પ્રોત્સાહન યોજના અંતર્ગત એચપી કંપની પણ એક અરજદાર છે.