પાકિસ્તાનમાં મોંઘવારી દર 31 ટકા, ગેસ સિલિન્ડરના રૂ. 3000

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. આર્થિક સંકટે દેશમાં સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. સપ્ટેમ્બરમાં IMFના દબાણમાં કાર્યવાહક સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં મોટો વધારો કર્યો હતો. હવે સરકારે પહેલી સપ્ટેમ્બરથી LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 246.16નો વધારો કર્યો છે, જે પછી LPG સિલિન્ડર રૂ. 3079.64એ પહોંચ્યું છે.

પાકિસ્તાનમાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી છે. પાકિસ્તાનમાં મોંઘવારીનો દર સપ્ટેમ્બરમાં વધીને 31.4 ટકા થયો છે, જે ઓગસ્ટમાં 27.4 ટકાએ હતો. પાકિસ્તાન નાદાર થવાની સ્થિતિમાં હતું, પણ IMFએ જુલાઈમાં ત્રણ અબજ ડોલરનું પેકેજ આપ્યું હતું. જોકે IMFએ પાકિસ્તાન પર કેટલીય આકરી શરતો લાદી હતી. આવનારા કેટલાક મહિનાઓ સુધી મોંઘવારી દર 29-31 ટકાની આસપાસ રહેવાની ધારણા છે, એમ રિપોર્ટ કહે છે.

પાકિસ્તાનની કાર્યવાહક સરકારે જુલાઈથી શરૂ થયેલા IMF બેલઆઉટ પેકેજને મેળવવા માટે સપ્ટેમ્બરમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની કિંમતોમં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. જે પછી દેશમાં ટ્રાન્સપોર્ટેશનની કિંમતમાં વાર્ષિક ધોરણે 31.26 ટકા વધારો થયો છે. આ સાથે ખાદ્ય મોંઘવારી દર વાર્ષિક ધોરણે 33.11 ટકા અને ઘર, પાણી અને વીજળીના દરમાં 29.70 ટકા સુધીનો વધારો થયો છે.

પાકિસ્તાનમાં મોંઘવારીથી લોકોની હાલત ખરાબ છે. ખાસ કરીને બલૂચિસ્તાન રાજ્યમાં ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા સહિત વિવિધ જિલ્લાઓમાં ખાંડ રૂ. 130 (પાકિસ્તાની રૂપિયા)થી લઈને રૂ. 200 પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે.