ફોક્સકોનની દેશમાં 4-5 સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવવાની યોજના

નવી દિલ્હીઃ વેદાંતાની સાથે રૂ. 1600 અબજ રૂપિયાની સેમીકન્ડક્ટર સમજૂતી તૂટ્યા પછી તાઇવાનની કંપની ફોક્સકોન ભારતમાં મૂડીરોકાણ કરવા ઉત્સુક છે અને નવા ભાગીદારની શોધ કરી રહી છે. કંપનીએ કહ્યું હતું કે ભારતમાં ચિપ બનાવવાનો ઇરાદો હજી છોડ્યો નથી. કંપની ભારતની સેમીકંડક્ટર ઉત્પાદનની યોજના હેઠળ છૂટ માટે અરજી કરશે.

કંપનીની ભારતમાં 4-5 સેમીકંડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવાની યોજના છે. કંપનીએ વેદાંતાની સાથે સંયુક્ત સાહસ તોડ્યાના એક દિવસ પછી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને આ વિશે માહિતી આપી હતી. કંપનીએ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે રૂ. 1.54 લાખ કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા હતા. બંને કંપનીઓ મળીને સેમીકંડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ લગાવવાવાની હતી. કંપનીએ કહ્યું હતું કે કંપની ભારત સરકારના મેક ઇન ઇન્ડિયાનાં લક્ષ્યોને પૂરો ટેકો આપે છે.

કંપની આગામી 45-50 દિવસોમાં અંતિમ અરજી કરીને સત્તાવાર એની જાહેરાત કરે એવી શક્યતા છે.આ મામલાથી પરિચિત અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે કંપની સેમીકંડક્ટર ચિપ ઉત્પાદન યુનિટ ગુજરાતમાં સ્થાપિત કરે એવી સંભાવના છે.

જુલાઈ, 2022માં ગુજરાત સરકારે સેમીકંડક્ટર નીતિ 2022-2027ની જાહેરાત કરી હતી, જેના હેઠળ સરકાર રાજ્યમાં સેમીકંડક્ટર અથવા ડિસ્પ્લે ફેબ્રિકેશન મેન્યુફેક્ચરિંગમાં મૂડીરોકાણ કરવા ઇચ્છુક કંપનીઓ માટે વીજળી, પાણી અને જમીનની કિંમતોમા ભારે સબસિડી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સેમીકંડક્ટર્સ અને ડિસ્પ્લે ભારતને ઇલેક્ટ્રોનિક્સ હબ બનાવવા માટે જરૂરી છે.

વર્ષ 2021માં ભારતીય સેમીકંડક્ટર માર્કેટ વેલ્યુ રૂ. 2.16 લાખ કરોડ હતી અને હવે 2026માં રૂ. 5.09 લાખ કરોડ (65 બિલિયન ડોલર) સુધી પહોંચવા માટે આશરે 19 ટકા CAGRથી વધવાની અપેક્ષા છે.