હેમામાલિની પતિ ધર્મેન્દ્ર સાથે કેમ રહેતાં નથી? કારણ જાણવા મળ્યું…

મુંબઈઃ હિન્દી ફિલ્મોની લોકપ્રિય જોડી પૈકી એક એટલે હેમા માલિની અને ધર્મેન્દ્ર. આ જોડીએ દર્શકોને અનેક મનોરંજક ફિલ્મો આપી છે. તેઓ વાસ્તવિક જીવનમાં લગ્નગ્રંથિથી પણ જોડાયાં છે. એમનાં લગ્નને 43 વર્ષ વીતી ગયા છે. તે છતાં આ બંને જણ સાથે રહેતાં નથી. આનું કારણ શું હશે? આ સવાલ ઘણાયને સતાવી રહ્યો છે.

હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યાં હતાં ત્યારે ધર્મેન્દ્ર પહેલી પત્ની પ્રકાશકૌરથી ચાર સંતાન થયા હતા. તે છતાં હેમાએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને લગ્ન કર્યાં હતાં. બંને કલાકાર પતિ-પત્ની બન્યાં તેને 43 વર્ષ થઈ ગયા હોવા છતાં તેઓ સાથે કેમ રહેતાં નથી? તો એનું કારણ જાણવા મળ્યું છે.

હેમા માલિનીએ આ જાણકારી એક અખબારને આપેલી મુલાકાતમાં આપી છે. એમણે કહ્યું, આ રીતે રહેવાનું કોઈને ગમે નહીં. કેટલીક વાર આપણું જીવન અણધારી રીતે વળાંક લેતું હોય છે અને આપણે તેનો સ્વીકાર કરવો જ પડે છે. તે વળાંક-ફેરફારને અપનાવવો પડે છે. ધર્મેન્દ્ર કાયમ મારી અને અમારાં પરિવારની પડખે મજબૂત રીતે ઊભા રહ્યા છે. પ્રત્યેક સ્ત્રીની ઈચ્છા હોય કે એ તેનાં પતિ અને સંતાનોની સાથે એક પરિવારની જેમ રહે. પરંતુ ક્યારેક પરિસ્થિતિ આપણને જુદા જ માર્ગ પર લઈ જાય છે.

ધર્મેન્દ્રએ એમના પહેલા પત્ની પ્રકાશકૌરને છૂટાછેડા આપ્યા વગર હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. હેમાનાં માતાપિતાને આ માન્ય નહોતું. ધર્મેન્દ્રએ લગ્ન કર્યા બાદ હેમા માલિનીથી અલગ રહીને એમની બંને પુત્રીનો ઉછેર કરવાનું નક્કી કર્યું હતું.