દિલ્હીમાં યમુના ખતરાના નિશાનની ઉપરઃ 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

નવી દિલ્હીઃ દિલ્હીમાં યમુના નદીનું જળ સ્તર ખતરાના નિશાન ઉપર વહી રહ્યું છે. કેટલાય નીચલા વિસ્તારોનાં ઘરોમાં યમુનાનાં પાણી ઘૂસવાને કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દિલ્હીમાં યમુના નદી 207 મીટરના નિશાનને પાર કરતાં 10 વર્ષોમાં મહત્તમ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

દિલ્હીમાં છેલ્લા બે દિવસોમાં ભારે વરસાદની વચ્ચે યમુનાના જળ સ્તરમાં ઝડપથી વધારો નોંધાયો છે. દિલ્હીના ઓલ્ડ રેલવે બ્રિજ વિસ્તારમાં યમુના નદીના નિશાનથી ઉપર વહી રહી છે.દિલ્હીમાં યમુનાએ ખતરાના નિશાનને પાર કરતાં પૂર સંભવિત ક્ષેત્રોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર સ્થાનાંતરિત કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાવચેતી રૂપે જૂના રેલવે પૂલને રસ્તા અને રેલ વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય જળ પંચ (CWC)ના અનુસાર હરિયાણા દ્વારા યમુનાનગરમાં હથિનીકુંડ બેરેજથી યમુના નદીમાં વધુ પાણી છોડવામાં આવવાને કારણે સોમવારે સાંજે જૂના રેલવે પૂલ પર જળ સ્તર વધીને 205.4 મીટર થયું હતું અને મંગળવારે એ 206.38 મીટરે પહોંચ્યું હતું.

હરિયાણના હથિની કુંડ બેરેજથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડ્યા પછી યમુનામાં પાણી વધ્યું છે. જેથી આજે યમુનાનું જળસ્તર 207.08 રેકોર્ડ કરવામાં આવ્યું હતું. યમુનાનું મહત્તમ જળ સ્તર 1978માં 207.49 નોંધાયું હતું. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે દિલ્હીમાં યમુના નદી મહત્તમ રેકોર્ડ નોંધાવી શકે છે. મંગળવારે જ યમુના નદીનું જળ સ્તર 10 વર્ષના મહત્તમ રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.દિલ્હીના કેટલાય વિસ્તારોમાં પૂરનાં પાણી ઘૂસ્યાં હતાં. નદીના ઉફાનને ઓછું કરવા માટે ઓખલા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે 45 નૌકાને તહેનાત કરવામાં આવી છે.