મુંબઈઃ સરકારે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનું આ બજેટમાં પણ ચાલુ રાખ્યું છે. સ્ટાર્ટઅપ્સને આવક વેરાના લાભ મળે એ માટે એમની સ્થાપનાની તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૩થી લંબાવીને ૩૧ માર્ચ, ૨૦૨૪ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે નક્કી કર્યું છે કે સ્ટાર્ટઅપ્સના શેરહોલ્ડિંગમાં ફેરફાર થયાની સ્થિતિમાં ખોટનું કૅરી ફોરવર્ડ કરવા માટેનો સમયગાળો સ્થાપનાથી સાત વર્ષની જગ્યાએ હવે ૧૦ વર્ષ કરવામાં આવ્યો છે.
નાણાપ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યા મુજબ કૃષિ ક્ષેત્રે ગામડામાં યુવા ઉદ્યમીઓ (આંત્રપ્રેન્યોર્સ) સ્ટાર્ટઅપ્સની સ્થાપના કરે એ માટે એમને પ્રોત્સાહિત કરવા એગ્રિ એક્સેલરેટર ફંડની રચના કરવામાં આવશે. ખેડૂતોને નડતી સમસ્યાઓના ઇનોવેટિવ અને પરવડે એવાં સોલ્યુશન્સ લાવવાની દૃષ્ટિએ આ પગલું ભરવામાં આવ્યું છે. એનાથી કૃષિ ક્ષેત્રે અત્યાધુનિક ટેક્નૉલૉજી આવશે અને ઉત્પાદકતા તથા નફાકારકતા વધશે.
સ્ટાર્ટઅપ્સ અને શિક્ષણ ક્ષેત્રના લોકો દ્વારા ઇનોવેશન અને સંશોધનને વેગ મળે એ માટે નૅશનલ ડેટા ગવર્નન્સ પૉલિસી લાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એના હેઠળ અનામી ડેટાનો એક્સેસ પ્રાપ્ત કરી શકાશે.