નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં લોકડાઉનને કારણે આવશ્યક ચીજવસ્તુઓ જ મળવાની છૂટ હોવાને કારણે અન્ય વેપાર-ધંધા ઠપ થયા છે. જેથી જ્યારે પણ લોકડાઉન ઉઠાવી લેવામાં આવશે ત્યારે પણ દુકાનોનાં ઊંચાં ભાડાં અને વેચાણમાં આવેલા ધરખમ ઘટાડા (બંધ)ને કારણે દરેક પાંચમી રિટેલ શોપ એનો વેપાર સમેટી લે એવી શક્યતા છે, એવું વેપારી સંગઠનોનું કહેવું છે. દેશના શહેરી વિસ્તારો – ગીચ વિસ્તારોમાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અશક્ય છે, ત્યાં પણ વેપારીઓએ પ્રતિબંધો હળવા થયા પછી પણ તેમણે દુકાનો (ખાસ કરીને ભાડાની) બંધ રાખવાનું નક્કી કર્યું છે અથવા હજી આગામી સમયમાં કોરોના વાઇરસને પગલે માહોલ અનિશ્ચિત રહેવાને લીધે વેપારીઓ વધુ નુકસાન ઉઠાવી શકે એમ નથી.
મુંબઈના કોલાબા, નરીમાન પોઇન્ટ, અંધેરી-મુંબઈ, ખાન માર્કેટ અને નવી દિલ્હીમાં કોનોટ પ્લેસ અને સદર બજાર સહિતનાં મુખ્ય બજારોમાં 60 ટકા વધુ રિટેલ આઉટલેટ્સ ભાડૂતોના કબજામાં છે, એમ વેપારીઓએ જણાવ્યું હતું. આ વેપારીઓમાં ઘણા લોકોએ ભાડાં ભર્યાં નથી અથવા ડિફોલ્ટ થયા છે, એમ તેમણે કહ્યું હતું.
મસમોટાં ભાડા સહિત અન્ય સ્થિર ખર્ચા
ખાન માર્કેટમાં 1000 સ્ક્વેર ફૂટની શોપનું ભાડું રૂ. પાંચ લાખ છે અને બ્રીચ કેન્ડી જેવા વિસ્તારમાં રૂ. ત્રણ લાખ ભાડું છે. આ જ પરિસ્થિતિ મોટા ભાગનાં શહેરોમાં પ્રવર્તે છે. હવે આ ભાડાં ઉપરાંત કર્મચારીઓનો પગાર સહિત અન્ય સ્થિર ખર્ચા હોવાને કારણે વેપારીઓની નાણાકીય સ્થિતિ કફોડી બની ગઈ છે, જેથી આવા વેપારીઓ વધુ નુકસાન કરવાની ક્ષમતા ના હોવાને કારણે બિઝનેસને બંધ કરશે. આમ દેશમાં આશરે 20 ટકા રિટેલ આઉટલેટ્સ બંધ થવાની ધારણા છે, એમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત અન્ય 10 ટકા વેપારીઓ જે 20 ટકા આ વેપારીઓ પર નિર્ભર હતા, એ પણ તૂટી જશે અને ધંધો બંધ કરશે, એમ તેમણે કહ્યું હતું.
વધુ ભાડાં ચૂકવનારા દુકાનદારો ભયભીત
દિલ્હીના જૂના માર્કેટમાં ચારથી પાંચ લાખ રૂપિયાનાં ભાડાં ચૂકવનારા દુકાનદારો ભયભીત છે, કેમ કે મોટા ભાગના ભાડા કરારોમાં જો ધંધો બંધ કરવામાં આવે તો કરાર મુજબ બાકીના સમયનું ભાડું ચૂકવવાની જોગવાઈ હોય છે. વેપારીઓ આમાંથી વચલો રસ્તો કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે, એમ ચાંદની ચોક સર્વ વેપાર મંડળના પ્રમુખ સંજય ભાર્ગવે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વેપારમાં નુકસાન હોવા છતાં અમે સરકારને રાહત આપવાની માગ નહીં કરીએ.
ભાડામાં 50 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના
લોકડાઉને વેપાર-ધંધાની કમર તોડી નાખી છે. ખાસ કરીને ભાડેથી દુકાન લઈને ધંધો કરતા વેપારઓની તો માઠી દશા બેઠી છે. દિલ્હીના સદર બજારના ટ્રેડર્સ એસોસિયેશનના વરિષ્ઠ સલાહકાર અજય બજાજે કહ્યું હતું કે લોકડાઉન પછી દુકાનોનાં ભાડામાં 50 ટકા ઘટાડો થવાની શક્યતા છે.