નાણાકીય સંકટગ્રસ્ત સ્પાઇસજેટે 150 કર્મચારીઓને રજા પર મોકલ્યા

નવી દિલ્હીઃ રોકડના સંકટથી ઝઝૂમી રહેલી સ્પાઇસજેટે ઘોષણા કરી હતી કે કંપનીએ હંગામી રીતે 150 કેબિન ક્રૂ સભ્યોને ત્રણ મહિના માટે રજા પર મોકલી દીધા છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે જ્યારે આ કર્મચારીઓ પરત કામ પર ફરશે, ત્યારે તેમના સ્વાગત માટે કંપની સંપૂર્ણ રીતે સજ્જ હશે અને રજા દરમ્યાન પણ કર્મચારીઓને ટેકો આપવા માટે કંપની તેમની સાથે ઊભી છે.  

કંપની છેલ્લાં છ વર્ષથી ખોટમાં ચાલી રહી છે અને હવે કર્મચારીઓને પગાર ચૂકવવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. એવિયેશન વોચડોગ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ થોડા સમય પહેલાં એના પર નિગરાની વધારી દીધી હતી. DGCAએ હાલમાં એક ઓડિટમાં કેટલીક ખામીઓનો પણ ખુલાસો કર્યો હતો. ફ્લાઇટ રદ થવાને કારણે અને નાણાકીય મુશ્કેલીઓના રિપોર્ટ્સ આવ્યા પછી DGCAએ આશરે ત્રણ સપ્તાહ પહેલાં એનું સ્પેશિયલ ઓડિટ કર્યું હતું.

એરલાઇન, વિમાન પટ્ટેદારો, એન્જિન પટ્ટેદારો લેણદારો અને ભૂતપૂર્વ પ્રમોટર કલાનિધિ મારનનાં બાકી લેણાંની ચુકવણીની કાનૂની દાવપેચમાં ફસાયેલી છે.

એરલાઇને કહ્યું હતું કે કંપનીએ 150 કેબિન ક્રૂ સભ્યોને હંગામી રીતે ત્રણ મહિના માટે રજા પર મોકલવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.કંપનીને વેપાર કરવા માટે ફંડની સખત જરૂર છે અને કંપની વિમાન લીઝ પર આપતી કંપની સહિત કેટલાય વેન્ડર્સને પેમેન્ટ સમયસર નથી કરી શકી અને એને પગલે કંપનીની વિરુદ્ધ નાદારીની અરજી દાખલ કરવામાં આવી છે.

કંપનીનો માર્કેટ શેર ચાર ટકા નીચે આવ્યો છે, કેમ કે 22 વિમાન જ ચાલુ છે અને 30થી વધુ એન્જિન અને સ્પેરપાર્ટ્સની અછતને કારણે બંધ પડ્યાં છે. કંપનીની આવકમાં જૂન ત્રિમાસિકમાં પણ 15 ટકા ઘટાડો થયો છે.