ટ્વિટર પર હવે ક્રિયેટર્સ ટ્વીટ કરીને કમાવી શકશે પૈસા

વોશિંગ્ટનઃ સોશિયલ મિડિયાની દિગ્ગજ કંપની ટ્વિટર ક્રિયેટર્સ માટે સારા સમાચાર છે. હવે ટ્વિટર પર ટ્વીટ કરવાવાળા વેરિફાઇડ કન્ટેન્ટ ક્રિયેટર્સ ટ્વિટર દ્વારા પૈસા કમાવી શકશે. ટ્વિટરે એડ રેવેન્યુ શેરિંગ પ્રોગ્રામ લોન્ચ કરી દીધો છે. એનો અર્થ એ છે કે જ્યારે પણ ક્રિયેટર્સ કોઈ પણ પોસ્ટ કરશે તો એના બદલામાં કંપની જે રેવેન્યુ મળશે, એમાં કેટલોક ભાગ ક્રિયેટર્સને પણ મળશે. આવક પ્રાપ્ત કરવા માટે કંપની ક્રિયેટર્સને ટ્વીટના રિપ્લાયમાં જાહેરાત આપશે અને એના બદલામાં ક્રિયેટર્સને પૈસા.

કંપનીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હવે ક્રિયેટર મોનેટાઇઝેશનને વ્યાપક બનાવી રહી છે અને હવે એ ક્રિયેટર્સને એડ રેવેન્યુ શેરિંગ હેઠળ પૈસા આપશે અને એનો પ્રારંભ એમના ટ્વીટના રિપ્લાયથી થશે. કંપનીએ કહ્યું હતું કે આ લોકોને સીધા ટ્વિટર પર કમાણીમાં મદદ કરવાના અમારા પ્રયાસનો એક ભાગ છે. હાલમાં જ ટ્વિટરના માલિક એલન મસ્કે કહ્યું હતું કે તેમની કંપની ક્રિયેટર્સને ફર્સ્ટ બ્લોક કુલ પાંચ મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 41 કરોડનું પેમેન્ટ કરશે.

ક્યારથી શરૂ થશે એડ રેવેન્યુ શેરિંગ પ્રોગ્રામ?

કંપનીએ એનો લોન્ચ તો કરી દીધો છે. કંપનીએ એની માહિતી એક પોસ્ટ દ્વારા સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપી છે. કંપનીએ કહ્યું છે કે એ ક્રિયેટર મોનેટાઇઝેશન પ્રોગ્રામને ધીમે-ધીમે વધારી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે અમે આ મહિનાના અંતમાં પ્રોગ્રામને વ્યાપક રીતે શરૂ કરી રહ્યા છે. બધા યોગ્ય ક્રિયેટર્સ ખુદ એડ રેવેન્યુ શેરિંગ અને ક્રિયેટર સબસ્ક્રિપ્શન સાઇનઅપ કરી શકશે. કંપનીએ જણાવ્યું હતું કે ભારત સહિત આશરે 45 દેશોમાં આ પેમેન્ટ પ્રોસેસિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. આવામાં ભારતીય ક્રિયેટર્સ પણ ટ્વિટરના આ પગલાનો લાભ ઉઠાવી શકશે.